જસ્ટિસ સ્વર્ણકાન્તા શર્માએ કહ્યું કે જો હું હટીશ તો એવો સંદેશ જશે કે દબાણ કરીને જજને હટાવી શકાય છે
ફાઇલ તસવીર
એક્સાઇઝ પૉલિસીના કેસમાં ગઈ કાલે દિલ્હી હાઈ કોર્ટે દિલ્હીના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલની જજ બદલવાની અરજીને ફગાવી દીધી હતી.
કેજરીવાલ દિલ્હી હાઈ કોર્ટમાં વિડિયો કૉન્ફરન્સના માધ્યમથી હાજર રહ્યા હતા. અરવિંદ કેજરીવાલે જસ્ટિસ સ્વર્ણકાન્તા પર પક્ષપાત અને નિજી હિતોના ટકરાવની સંભાવનાનો આરોપ લગાવીને તેમને આ કેસમાંથી હટાવવાની માગણી કરી હતી. ગઈ કાલે જસ્ટિસ સ્વર્ણકાન્તાએ આ કેસની સુનાવણીમાં કેજરીવાલના આરોપોનો જવાબ આપતાં કહ્યું હતું કે ‘જો કોઈ જજ તરીકે સોગંદ લે છે તો એનો મતલબ એ નથી કે તેમનો પરિવાર પણ આ પ્રોફેશનમાં ન આવવાના સોગંદ લે. જજનાં બાળકો અને પરિવારો પોતાની અંગત જિંદગી કઈ રીતે જીવે એ કોઈ અન્ય નક્કી ન કરી શકે. હું આ કેસમાંથી ખુદને અલગ નહીં કરું. હું જ સુનાવણી કરીશ. જો હું હટી ગઈ તો એવો સંદેશ મળશે કે દબાણ લાવીને કોઈ પણ જજને હટાવી શકાય છે.’
