દિલ્હીની ટુબાટા રેસ્ટોરાંનો આવો કેવો અજબ નિયમ સલવાર-કમીઝ, સાડી મેં એન્ટ્રી અલાઉડ નહીં હૈ, દિલ્હીના પીતમપુરામાં આવેલી ટુબાટા રેસ્ટોરાંએ ભારતીય પોશાક પહેરીને આવેલા એક દંપતીને તેમના પરિસરમાં એન્ટ્રી આપવાનો કથિત રીતે ઇનકાર કર્યો હતો.
કપલને અંદર જવા ન દેતાં વિડિયો રેકૉર્ડ કર્યો અને વાત મુખ્ય પ્રધાન સુધી પહોંચી. વિવાદ વકરતાં રેસ્ટોરાંના માલિકે ફેરવી તોળ્યું.
દિલ્હીના પીતમપુરામાં આવેલી ટુબાટા રેસ્ટોરાંએ ભારતીય પોશાક પહેરીને આવેલા એક દંપતીને તેમના પરિસરમાં એન્ટ્રી આપવાનો કથિત રીતે ઇનકાર કર્યો હતો. આ સમગ્ર ઘટના કૅમેરામાં રેકૉર્ડ કરાઈ હતી અને એ વિડિયો વાઇરલ થયો હતો. સલવાર-કમીઝ પહેરેલી મહિલા અને ટી-શર્ટ-જીન્સ પહેરેલા પુરુષે રેસ્ટોરાંના સ્ટાફ પર ભેદભાવ અને અપમાનનો આરોપ લગાવ્યો હતો. જોકે મીડિયા સાથેની વાતચીતમાં રેસ્ટોરાંના માલિકે આ આરોપોને ફગાવી દેતાં કહ્યું હતું કે ‘દંપતીએ ટેબલ બુક કરાવ્યું નહોતું, જેને કારણે તેમને પ્રવેશ નકારવામાં આવ્યો હતો. અમારી રેસ્ટોરાંમાં કોઈ પોશાકનીતિ નથી અને બધા ગ્રાહકોનું સ્વાગત છે.’
અલબત્ત, રેકૉર્ડ કરેલા વિડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે રેસ્ટોરાંનો સ્ટાફ ભારતીય પોશાકમાં રેસ્ટોરાંમાં પ્રવેશની પરવાનગી ન હોવાનું કહે છે.
ADVERTISEMENT
યુ-ટર્ન: હવે રેસ્ટોરાંમાં ભારતીય પોશાક પહેરીને આવતા નાગરિકોનું સ્વાગત થશે
ક્લિપ વાઇરલ થતાં દિલ્હીના કૅબિનેટ પ્રધાન કપિલ મિશ્રાએ આ મુદ્દા પર ધ્યાન આપ્યું હતું અને કહ્યું હતું કે મુખ્ય પ્રધાન રેખા ગુપ્તાને આ બાબતની જાણ કરવામાં આવી છે. કપિલ મિશ્રાએ જાણકારી આપી હતી કે ‘રેસ્ટોરાંમાલિકો હવે ગ્રાહકોના પ્રવેશ માટે કોઈ પણ પોશાક પર પ્રતિબંધ લાદશે નહીં અને ભારતીય પોશાક પહેરીને આવતા નાગરિકોનું સ્વાગત કરશે. રક્ષાબંધન પર તેઓ ભારતીય પોશાક પહેરીને આવતી બહેનોને ડિસ્કાઉન્ટ પણ આપશે. આ રેસ્ટોરાંના માલિક સાથે પણ વાત થઈ છે. તેમણે પણ ખાતરી આપી છે કે તેમની રેસ્ટોરાંમાં આ નીતિને બદલી દેવામાં આવશે.’

