કેરલા, પશ્ચિમ બંગાળ અને તામિલનાડુમાં SIR પ્રક્રિયા રોકવાની ડિમાન્ડ સામે ચૂંટણીપંચે કહ્યું...
ગઈ કાલે તૃણમૂલ કૉન્ગ્રેસના નેતાઓએ પશ્ચિમ બંગાળના નાદિયામાં SIRના વિરોધમાં પ્રોટેસ્ટ કર્યો હતો.
મતદારયાદી સુધારણા માટે સ્પેશ્યલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયાને રોકવા માટે કેરલા, પશ્ચિમ બંગાળ અને તામિલનાડુમાં રાજકીય પાર્ટીઓ દ્વારા અરજીઓ થઈ છે. બુધવારે આ મામલે સુનાવણી દરમ્યાન ચૂંટણીપંચે સુપ્રીમ કોર્ટમાં કહ્યું હતું કે મતદારયાદી સુધારણા બાબતે રાજકીય પાર્ટીઓ ખોટો ભય અને ભ્રમ ફેલાવવાની કોશિશ કરી રહી છે. SIRને પડકારતી અને એને સ્થગિત કરવાની માગણી કરતી અરજીઓની સુનાવણી ચીફ જસ્ટિસ ઑફ ઇન્ડિયા સૂર્યકાંત અને ન્યાયાધીશ જૉયમાલ્યા બાગચીની પીઠ દ્વારા થઈ રહી છે.
કેરલા સરકારે અરજીમાં કહ્યું હતું કે સ્થાનિક ચૂંટણીઓની સાથે-સાથે SIR ચલાવવાથી પ્રશાસન પર વધુ બોજ પડશે અને ચૂંટણી-પ્રક્રિયા પર અસર થઈ શકે એમ છે એટલે SIR રોકવામાં આવે. સુપ્રીમ કોર્ટે આ બાબતે ચૂંટણીપંચ અને રાજ્ય ચૂંટણીપંચને પહેલી ડિસેમ્બર સુધીમાં જવાબ આપવાનો નિર્દેશ કર્યો છે. તામિલનાડુમાં SIR પર ૪ ડિસેમ્બરે અને પશ્ચિમ બંગાળમાં ૯ ડિસેમ્બરે સુનાવણી થશે.
ADVERTISEMENT
ઉત્તર પ્રદેશમાં SIR સુપરવાઇઝરે લગ્નના એક દિવસ પહેલાં કર્યો આપઘાત, લગ્ન માટે પણ રજા નહોતી મળી, મીટિંગમાં ન ગયો તો સસ્પેન્ડ કર્યો
ઉત્તર પ્રદેશમાં ચાલી રહેલી મતદારયાદીના સ્પેશ્યલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR)ની પ્રક્રિયા વખતે ૨૫ વર્ષના સુપરવાઇઝર સુધીર કુમારે તેનાં લગ્નના એક દિવસ પહેલાં ઉત્તર પ્રદેશના ફતેહપુરમાં આત્મહત્યા કરી લીધી હતી. તેના પરિવારે આરોપ લગાવ્યો છે કે લગ્ન માટે રજાની અરજી આપ્યા પછી પણ તેને તેનાં લગ્ન કરવા માટે રજા આપવામાં આવી નહોતી. પત્રકારો સાથે વાત કરતાં સુધીર કુમારની બહેન રોશનીએ કહ્યું હતું કે ‘મારા ભાઈનો એક સાથી મંગળવારે વહેલી સવારે ઘરે આવ્યો હતો અને તેને જણાવ્યું હતું કે SIR સંબંધિત એક મીટિંગમાં હાજરી ન આપવાને કારણે તેને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. આના કારણે મારા ભાઈએ આ અંતિમ પગલું ભર્યું હતું. અમે હવે ન્યાયની માગણી કરી રહ્યા છીએ. તેનાં લગ્ન ૨૬ નવેમ્બરે થવાનાં હતાં.’


