મધ્ય પ્રદેશમાં આધાર કાર્ડની વિગતો અપડેટ કરાવવા પિતા દિવ્યાંગ પુત્રને તેડીને ૬૬ કિલોમીટર દૂર લઈ ગયા છતાં, મળી નિષ્ફળતા
પ્રતીકાત્મક તસવીર
મધ્ય પ્રદેશના ઇટૌરા ગામમાં રહેતા પંચાવન વર્ષના ભોલા મિશ્રા તેમના ૧૮ વર્ષના દિવ્યાંગ પુત્ર ઓમને તેડીને ૬૬ કિલોમીટર દૂર આવેલા કટની ગયા હતા, કારણ કે તેમના પુત્રનું આધાર કાર્ડ અપડેટ કરાવવાનું હતું. જોકે તેમના આટલા પ્રયાસો બાદ પણ તેમને નિષ્ફળતા મળી હતી. આ અપડેટ ખૂબ જ મહત્ત્વપૂર્ણ હતું, કારણ કે તેમને ૬ મહિનાથી દિવ્યાંગ પેન્શન અને રૅશનના લાભ મળતાં નહોતાં અને અપડેટ થયા પછી જ એ મળવાનાં હતાં. તેમના પુત્ર પાસે વાંચી શકાય એવી ફિંગરપ્રિન્ટ્સ નહોતી, પરંતુ આધાર કેન્દ્રના સ્ટાફે અપડેટ પ્રક્રિયા કરવાનો ઇનકાર કરીને કહ્યું કે સિસ્ટમ પ્રિન્ટ સાથે મૅચ કરી શકતી નથી. તેનું આધાર કાર્ડ અપડેટ કરવામાં આવ્યું નહોતું અને કોઈ પણ કર્મચારીએ તેમની અરજી કલેક્ટર સુધી પહોંચવા દીધી નહોતી.
પોતાની યાતના વિશે બોલતાં ભોલા મિશ્રાએ જણાવ્યું હતું કે ‘૬ મહિનાથી આધારની નો યૉર કસ્ટમર (KYC) પ્રક્રિયા ન થવાને કારણે મને રૅશનની દુકાનમાંથી અનાજ મળવાનું બંધ થઈ ગયું હતું અને પુત્રનું પેન્શન બંધ થઈ ગયું હતું. ઓમની સંભાળ રાખવા માટે અમે આ લાભ પર આધાર રાખીએ છીએ અને મહિનાઓ સુધી બૅન્ક, તહસીલ, રૅશનની દુકાન અને આધાર કેન્દ્ર વચ્ચે દોડીને થાકી ગયા છીએ.’
ADVERTISEMENT
જોકે જ્યારે કલેક્ટર આશિષ તિવારીને આ વાતની જાણ કરવામાં આવી ત્યારે તેમણે ખાતરી આપી કે બાળકના આધારને અપડેટ કરવા માટે પગલાં લેવામાં આવશે જેથી તેને પેન્શન અને રૅશનના લાભ મળી શકે.


