લાભાર્થી પોતાના ખાતાના પ્રોવિડન્ટ ફન્ડ (PF)ના બૅલૅન્સમાંથી ૫૦ ટકા સુધીની રકમ જ ઉપાડી શકશે
પ્રતીકાત્મક તસવીર
જો બધું યોજના મુજબ થયું તો આવતા મહિનાથી એમ્પ્લૉઈઝ પ્રોવિડન્ટ ફન્ડ (EPF)ના પૈસા ATMમાંથી કાઢી શકાશે. દેશના સાત કરોડ ખાતાધારકોને આ સુવિધા મળી રહે એ માટે લેબર ઍન્ડ એમ્પ્લૉયમેન્ટ મિનિસ્ટ્રી અત્યારે પોતાની ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી (IT) સિસ્ટમને અપગ્રેડ કરી રહી છે. આ બાબતે લેબર સેક્રેટરી સુમિતા દાવડાએ કહ્યું હતું કે ‘આ નવી સિસ્ટમથી લાભાર્થી ક્લેમની રકમ ATMમાંથી કાઢી શકશે. જોકે લાભાર્થી પોતાના ખાતાના પ્રોવિડન્ટ ફન્ડ (PF)ના બૅલૅન્સમાંથી ૫૦ ટકા સુધીની રકમ જ ઉપાડી શકશે.’
એમ્પ્લૉઈ પ્રોવિડન્ટ ફન્ડ ઑફિસ (EPFO) અત્યારે ખાતેદારોનાં અકાઉન્ટ EPF અકાઉન્ટ સાથે લિન્ક કરી રહી છે, પણ એ હજી સ્પષ્ટ નથી થયું કે તેઓ આ લિન્કેજનો ઉપયોગ ATMમાંથી વિધડ્રૉઅલ માટે કરશે કે પછી એના માટે અલાયદી સિસ્ટમ તૈયાર કરશે. અત્યારે પૈસા ઉપાડવા માટે અરજી કરવી પડે છે અને એ પૈસા ખાતેદારના ખાતામાં આવતાં દસેક દિવસનો સમય નીકળી જાય છે.