વિદેશમાં પ્રવાસ કરવા ઇચ્છતા લોકો કોવિન પોર્ટલ પરથી પણ તેમનું વૅક્સિન સર્ટિફિકેટ ડાઉનલોડ કરી શકે છે
પ્રતીકાત્મક તસવીર
કેન્દ્રીય સ્વાસ્થ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ મંગળવારે કહ્યું હતું કે વિદેશપ્રવાસ કરવા ઇચ્છતા લોકો માટે ભારતના વૅક્સિન સર્ટિફિકેટને ૯૬ દેશોએ માન્યતા આપી છે. તેમણે એવું પણ કહ્યું હતું કે વિશ્વના બાકીના દેશો સાથે પણ સર્ટિફિકેટની માન્યતા માટે વાતચીત ચાલી રહી છે.
મનસુખ માંડવિયાએ કહ્યું હતું કે કોવિશીલ્ડ રસી કે વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા માન્ય કે રાષ્ટ્રીય સ્તરે માન્ય કોરોના રસીના બન્ને ડોઝ લઈ લીધા હશે એવા પ્રવાસીઓ માટે ભારત સાથે ૯૬ દેશોએ પરસ્પર કોરોના સર્ટિફિકેટનો સ્વીકાર કર્યો છે. વિદેશમાં પ્રવાસ કરવા ઇચ્છતા લોકો કોવિન પોર્ટલ પરથી પણ તેમનું વૅક્સિન સર્ટિફિકેટ ડાઉનલોડ કરી શકે છે. આ સાથે આ ૯૬ દેશોના પ્રવાસીઓને ભારતમાં આંશિક છૂટ આપવામાં આવી છે.
આ ૯૬ દેશોમાંથી મુખ્ય દેશોમાં અમેરિકા, કૅનેડા, યુ.કે., ફ્રાન્સ, જર્મની, બેલ્જિયમ, આયરલૅન્ડ, નેધરલૅન્ડ્સ, સ્પેન, આઇસલૅન્ડ અને બંગલા દેશ વગેરે દેશોનો સમાવેશ થાય છે.
