અગાઉ ઑનલાઇન બુકિંગ પર ‘નો ફૂડ’નો વિકલ્પ ઉપલબ્ધ હતો, જેને કારણે મુસાફરો કેટરિંગ અને નૉન-કમર્શિયલ ભોજન વચ્ચે પસંદગી કરી શકતા હતા.
પ્રતીકાત્મક તસવીર
ઇન્ડિયન રેલવે કેટરિંગ અને ટૂરિઝમ કૉર્પોરેશન (IRCTC)એ વંદે ભારત અને શતાબ્દી એક્સપ્રેસ જેવી પ્રીમિયમ ટ્રેનોમાં ઑનલાઇન ટિકિટ-બુકિંગમાંથી ‘નો ફૂડ’ વિકલ્પ ગુપ્ત રીતે દૂર કરી દીધો છે. ઑનલાઇન ટિકિટ-બુકિંગ માટે ભોજન ફરજિયાત બનાવવાથી મુસાફરોને ૩૦૦થી ૪૦૦ રૂપિયાનો વધારાનો ચાર્જ ચૂકવવો પડે છે. અગાઉ ઑનલાઇન બુકિંગ પર ‘નો ફૂડ’નો વિકલ્પ ઉપલબ્ધ હતો, જેને કારણે મુસાફરો કેટરિંગ અને નૉન-કમર્શિયલ ભોજન વચ્ચે પસંદગી કરી શકતા હતા.
હવે ટૂંકા અંતરની મુસાફરી માટે પણ ફૂડ જરૂરી છે. ઑનલાઇન બુકિંગ દરમ્યાન મુસાફરોને હવે વેજિટેરિયન, નૉન-વેજિટેરિયન, વેજ ડાયાબિટીઝ, નૉન-વેજ ડાયાબિટીઝ અને જૈન ફૂડ જેવા વિકલ્પો ઑફર કરવામાં આવે છે.
ADVERTISEMENT
IRCTCની સ્પષ્ટતા
રાજધાની, શતાબ્દી, દુરૉન્તો એક્સપ્રેસ અને વંદે ભારત જેવી પ્રીમિયમ ટ્રેનો માટે ઑનલાઇન ટિકિટ બુક કરતી વખતે ‘નો ફૂડ’નો વિકલ્પ પસંદ ન કરી શકતા નારાજ મુસાફરોની ફરિયાદો બાદ IRCTCએ પરિસ્થિતિ સ્પષ્ટ કરી છે. આ મુદ્દે IRCTCના કન્સલ્ટન્ટ પબ્લિક રિલેશન્સ પ્રશાંતકુમાર પટનાયકે જણાવ્યું હતું કે ‘ઑનલાઇન ટિકિટ-બુકિંગમાંથી ‘નો ફૂડ’નો વિકલ્પ દૂર કરવામાં આવ્યો નથી. મુસાફરો જ્યાં તેમનો મોબાઇલ-નંબર દાખલ કરે છે ત્યાં નીચે ‘નો ફૂડ’ વિકલ્પ પસંદ કરી શકે છે અને અપગ્રેડ વિકલ્પ પસંદ કરી શકે છે. ‘નો ફૂડ’ વિકલ્પ સંપૂર્ણપણે દૂર કરવામાં આવ્યો નથી, પરંતુ એમાં થોડો ફેરફાર કરવામાં આવ્યો છે. ઑપ્ટ-આઉટ વિકલ્પ હજી પણ એ જ પેજ પર ઉપલબ્ધ છે જેને ધ્યાનથી જોવાની જરૂર છે.’
મુસાફરોમાં મૂંઝવણ અને અસંતોષ
જોકે મુસાફરોમાં મૂંઝવણ અને અસંતોષ યથાવત્ છે, કારણ કે મોટા ભાગના લોકો આ વિકલ્પ જોઈ શકતા નથી. નિષ્ણાતો કહે છે કે રેલવેએ એના પોર્ટલ અને ઍપમાં પારદર્શિતા લાવવી જોઈએ જેથી મુસાફરોને કોઈ પણ સર્વિસ ન લેવી હોય તો પણ ખરીદવાની ફરજ ન પડે.


