પત્રકારો સાથેની અનૌપચારિક વાતચીતમાં જસ્ટિસ ગવઈએ કહ્યું હતું કે ‘બંધારણ સર્વોચ્ચ છે.`
જસ્ટિસ બી. આર. ગવઈ
જસ્ટિસ ભૂષણ રામકૃષ્ણ ગવઈ ૧૪ મેએ ભારતના આગામી મુખ્ય ન્યાયાધીશ (CJI) તરીકે શપથ લેશે. તેઓ આ પદ સંભાળનારા પ્રથમ બૌદ્ધ બનશે. તેઓ સોમવારે ઇન્દ્રપ્રસ્થ પાર્કસ્થિત શાંતિ સ્તૂપની મુલાકાત લેશે અને પ્રાર્થના કરશે. બાબાસાહેબ આંબેડકર દ્વારા શરૂ કરાયેલી ધર્માંતરણ ચળવળ દરમ્યાન જસ્ટિસ ગવઈના પિતાએ ૧૯૫૬માં બૌદ્ધ ધર્મ અપનાવ્યો હતો. ત્યારે પાંચ લાખ દલિતોએ બૌદ્ધ ધર્મ અપનાવ્યો હતો. જસ્ટિસ ગવઈએ કહ્યું હતું કે તેમણે અને તેમના પરિવારે પણ બૌદ્ધ ધર્મ અપનાવ્યો હતો.
પત્રકારો સાથેની અનૌપચારિક વાતચીતમાં જસ્ટિસ ગવઈએ કહ્યું હતું કે ‘બંધારણ સર્વોચ્ચ છે. કેશવાનંદ ભારતી કેસમાં ૧૩ ન્યાયાધીશોની બેન્ચે પણ આ જ વાત કહી છે.’ ભારતનાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ૬ મેના રોજ જસ્ટિસ ભૂષણ રામકૃષ્ણ ગવઈને ૨૦૨૫ની ૧૪ મેથી ભારતના આગામી મુખ્ય ન્યાયાધીશ તરીકે નિયુક્ત કર્યા હતા. જસ્ટિસ ગવઈ સુપ્રીમ કોર્ટના સૌથી વરિષ્ઠ ન્યાયાધીશ છે. તેઓ ૧૩ મેએ વર્તમાન CJI સંજીવ ખન્નાના નિવૃત્તિના એક દિવસ પછી, ૧૪ મેએ એ પદ સંભાળવાના છે. CJI તરીકે જસ્ટિસ ગવઈનો કાર્યકાળ છ મહિનાથી વધુનો રહેશે. તેઓ ૨૦૨૫ની ૨૩ નવેમ્બરે નિવૃત્ત થશે.

