ફળ-ઉત્પાદકોએ ગવર્નર મનોજ સિન્હા અને કેન્દ્ર સરકારને અપીલ કરી છે કે શ્રીનગર-જમ્મુ નૅશનલ હાઇવે ઇન્ડિયન આર્મીને સોંપી દેવામાં આવે
કાશ્મીરી ઉત્પાદકોને લગભગ ૪૦૦ કરોડ રૂપિયાનું નુકસાન વેઠવું પડ્યું હોવાનો અંદાજ
કાશ્મીરના ફળ ઉગાડનારા ખેડૂતો રાજ્ય સરકારથી ભયંકર ખફા છે. વરસાદ ગયા પછી પણ ૧૨ દિવસથી શ્રીનગર-જમ્મુ નૅશનલ હાઇવે બંધ હોવાથી ફળો ભરેલી ટ્રકો આગળ વધી શકતી નથી. ફળોનાં બૉક્સ માર્કેટમાં પડ્યાં-પડ્યાં જ ખરાબ થઈ રહ્યાં છે ત્યારે ફળ-ઉત્પાદકોએ ગવર્નર મનોજ સિન્હા અને કેન્દ્ર સરકારને અપીલ કરી છે કે શ્રીનગર-જમ્મુ નૅશનલ હાઇવે ઇન્ડિયન આર્મીને સોંપી દેવામાં આવે. આર્મી ગણતરીના દિવસોમાં કામ પૂરું કરી દેશે એવો તેમને વિશ્વાસ છે.
ફળો માર્કેટમાં જ સડી રહ્યાં હોવાથી કાશ્મીરી ઉત્પાદકોને લગભગ ૪૦૦ કરોડ રૂપિયાનું નુકસાન વેઠવું પડ્યું હોવાનો અંદાજ લગાવાય છે. ફળ-ઉત્પાદકોએ રાજ્ય સરકારને ચેતવણી આપી છે કે જો બે દિવસમાં હાઇવે રીસ્ટોર ન થયો તો તેઓ પરિવારને લઈને રસ્તા પર ઊતરી આવશે.

