સ્પષ્ટ બહુમતી મળ્યા પછીયે ૧૦ દિવસથી મુખ્ય પ્રધાન નક્કી નથી થઈ રહ્યો: વાયનાડમાં ગાંધી પરિવાર વિરુદ્ધ પોસ્ટરવૉર, કેરલમ બીજું અમેઠી બનશે એવી ચીમકી
વાયનાડમાં ડિસ્ટ્રિક્ટ કૉન્ગ્રેસ કમિટીની ઑફિસ સામે અનેક સ્થળોએ વિરોધ પ્રદર્શિત કરતાં પોસ્ટરો જોવા મળ્યાં છે
કેરલમમાં મુખ્ય પ્રધાન કોણ બનશે એનું સસ્પેન્સ દસમા દિવસે પણ યથાવત્ રહ્યું છે, પરંતુ આ વિલંબ હવે કૉન્ગ્રેસ માટે મુસીબત બની રહ્યો હોય એવું જણાઈ રહ્યું છે. વાયનાડમાં ગાંધીપરિવાર વિરુદ્ધ લાગેલાં પોસ્ટરોએ હાઈ કમાન્ડની ચિંતામાં વધારો કર્યો છે. આ પોસ્ટરોમાં સીધો સંકેત આપવામાં આવ્યો છે કે જો કે. સી. વેણુગોપાલને મુખ્ય પ્રધાન તરીકે પસંદ કરવામાં આવશે તો કેરલમ કૉન્ગ્રેસ માટે બીજું અમેઠી સાબિત થઈ શકે છે.
વાયનાડમાં ડિસ્ટ્રિક્ટ કૉન્ગ્રેસ કમિટીની ઑફિસ સામે અનેક સ્થળોએ વિરોધ પ્રદર્શિત કરતાં પોસ્ટરો જોવા મળ્યાં છે. એક પોસ્ટરમાં લખ્યું છે, ‘મિસ્ટર રાહુલ અને પ્રિયંકા, વાયનાડને ભૂલી જજો. તમે અહીંથી ફરી ક્યારેય જીતી શકશો નહીં.’ અન્ય એક પોસ્ટરમાં રાહુલ ગાંધીના ૨૦૧૯ના અમેઠી પરાજયનો ઉલ્લેખ કરીને ચેતવણી આપવામાં આવી છે કે જો ખોટો નિર્ણય લેવાયો તો કેરલમની જનતા ક્યારેય માફ કરશે નહીં.
ADVERTISEMENT
પોસ્ટરોમાં કે. સી. વેણુગોપાલ પર પણ આકરા પ્રહારો કરવામાં આવ્યા છે. એક પોસ્ટરમાં લખ્યું છે કે ‘કે. સી. (વેણુગોપાલ) તમારી બૅગ ઉઠાવનારા હોઈ શકે છે, પરંતુ કેરલમની જનતા તમને ક્યારેય માફ નહીં કરે.’ આ સૂત્રો સ્પષ્ટ કરે છે કે સ્થાનિક સ્તરે વેણુગોપાલની દાવેદારી સામે કાર્યકરોમાં ભારે અસંતોષ છે.
મુખ્ય પ્રધાનપદના વિવાદને ઉકેલવા માટે દિલ્હીમાં હાઈ કમાન્ડ અને કેરલમના વરિષ્ઠ નેતાઓ વચ્ચે બેઠકોનો દોર ચાલી રહ્યો છે, પરંતુ હજી સુધી કોઈ સર્વસંમતિ સધાઈ નથી. એક તરફ હાઈ કમાન્ડ કે. સી. વેણુગોપાલના નામ પર વિચાર કરી રહ્યું છે તો બીજી તરફ સ્થાનિક નેતાઓ અને કાર્યકરોમાં વિરોધનો સૂર ઊઠ્યો છે.
૧૦ દિવસથી ચાલી રહેલી આ મડાગાંઠને કારણે કેરલમમાં સરકાર રચવાની પ્રક્રિયા અટકી પડી છે. હવે જોવાનું એ રહેશે કે કૉન્ગ્રેસ હાઈ કમાન્ડ વાયનાડમાં ઊઠેલા વિરોધના આ વંટોળને કેવી રીતે શાંત પાડે છે અને કેરલમની ગાદી કોને સોંપે છે.
