પહેલી નવેમ્બરે મુખ્ય પ્રધાન પી. વિજયન સત્તાવાર જાહેરાત કરશે
પ્રતીકાત્મક તસવીર
ભારતમાં કેરલા પહેલું એવું રાજ્ય બનવાનું છે જે એક્સ્ટ્રીમ પૉવર્ટી એટલે કે દારુણ ગરીબીથી સંપૂર્ણ મુક્ત હોય. આ જાહેરાત મુખ્ય પ્રધાન પહેલી નવેમ્બરે કરશે. પહેલી નવેમ્બરે કેરલાનો સ્થાપનાદિવસ ઊજવાશે ત્યારે રાજધાની તિરુવનંતપુરમમાં મુખ્ય પ્રધાન પી. વિજયન એક મોટી જાહેરાત પણ કરશે. આ પ્રસંગે રાજ્યના બધા પ્રધાનો ઉપરાંત કમલ હાસન સહિતના અનેક ફિલ્મસ્ટાર્સ પણ ઉપસ્થિત રહશે. આ ઉજવણીમાં સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રજૂ કરવામાં આવશે.
કેવી રીતે કેરલાએ મેળવી આ સિદ્ધિ?
ADVERTISEMENT
નીતિ આયોગના રિપોર્ટ પ્રમાણે ૨૦૨૧માં સમગ્ર ભારતમાં સૌથી ઓછો ગરીબીદર ૦.૭ ટકા કેરલાનો હતો. આ ગરીબ વર્ગને કેન્દ્રમાં રાખીને લેફ્ટ ડેમોક્રૅટિક ફ્રન્ટ (LDF) સરકારે ૨૦૨૧માં જ દારુણ ગરીબીને નાબૂદ કરવાનો પ્રોગ્રામ શરૂ કર્યો હતો. પ્રોગ્રામ હેઠળના સર્વે પછી કેરલામાં ૬૪,૦૦૬ પરિવારો એવા મળ્યા હતા જે અત્યંત ગરીબીમાં જીવી રહ્યા હતા. તેમને ટાર્ગેટ કરીને સરકારે રાહત માટે પગલાં ભર્યાં હતાં. ૩૯૧૩ પરિવારોને ઘરમકાન પૂરાં પાડ્યાં, ૧૩૩૮ પરિવારોને જમીન આપી અને ૫૬૫૧ પરિવારોને પ્રત્યેકને ઘરમાં સમારકામ માટે બે લાખ રૂપિયાની મદદ પૂરી પાડી હતી. સરકારની આ મદદને પગલે અત્યંત ગરીબીમાં જીવી રહેલા પરિવારો એમાંથી બહાર આવ્યા હતા.


