ફ્રાન્સમાં શશી થરૂર, જપાનમાં અખિલેશ યાદવ, કઝાખસ્તાનમાં પૂનમ માડમ, સાઉથ કોરિયામાં પરષોત્તમ રૂપાલા, સાઉથ આફ્રિકામાં હેમા માલિની, સાઉદી અરેબિયામાં ડૉ સુધાંશુ ત્રિવેદી, રશિયામાં નિશિકાંત દુબે, ઇટલીમાં પી. ચિદમ્બરમ અને ઓમાનમાં અસદુદ્દીન ઓવૈસી નેતૃત્વ કરશે
ફ્રાન્સમાં શશી થરૂર નેતૃત્વ કરશે
લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ ગઈ કાલે ૬૪ દેશો સાથે પાર્લમેન્ટરી ફ્રેન્ડશિપ ગ્રુપ્સ (PFG)ની રચના કરી છે. આ જૂથોનો ઉદ્દેશ અન્ય દેશો સાથે સંસદીય કૂટનીતિને મજબૂત બનાવવાનો અને વૈશ્વિક મંચ પર ભારતની સંસદના સંયુક્ત લોકશાહી અવાજને રજૂ કરવાનો છે.
આ સંદર્ભમાં કેન્દ્રીય સંસદીય બાબતોના પ્રધાન કિરેન રિજિજુએ સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ X પર જણાવ્યું હતું કે ઑપરેશન સિંદૂરની સફળતા પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારત અને અન્ય દેશો વચ્ચે સંવાદ વધારવા માટે PFGની રચના કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. હવે લોકસભાના અધ્યક્ષે એની રચના કરી છે.
ADVERTISEMENT
લોકસભા અને રાજ્યસભાનાં કુલ ૬૪ જૂથોમાં ૭૦૪ સંસદસભ્યો છે. દરેક ગ્રુપમાં એક નેતા અને ૧૦ સભ્યો છે. આમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના સૌથી વધુ ૩૦ ગ્રુપ-નેતાઓ છે. કૉન્ગ્રેસના ૧૦, સમાજવાદી પાર્ટી, દ્રવિડ મુન્નેત્ર કઝઘમ (DMK) અને તૃણમૂલ કૉન્ગ્રેસ (TMC)ના ૩-૩ સંસદસભ્યોને ગ્રુપ-નેતા બનાવવામાં આવ્યા છે.
BJPના ગ્રુપ-નેતાઓમાં હેમા માલિની, મનોજ તિવારી અને નિશિકાંત દુબે જેવી અગ્રણી હસ્તીઓનો સમાવેશ થાય છે. કૉન્ગ્રેસના શશી થરૂર, TMCના અભિષેક બૅનર્જી અને ઑલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM)ના વડા અસદુદ્દીન ઓવૈસીને પણ ગ્રુપ-નેતા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. જોકે આ ગ્રુપના સભ્યો કેવી રીતે કાર્ય કરશે એની ઔપચારિક વિગતો હજી સુધી આપવામાં આવી નથી.
આ પહેલાં ૨૦૨૫ની ૧૭ મેએ કેન્દ્ર સરકારે ઑપરેશન સિંદૂર પછી વૈશ્વિક સ્તરે ભારતનું પ્રતિનિધિત્વ કરવા માટે ૫૯ સભ્યોના પ્રતિનિધિમંડળની જાહેરાત કરી હતી. આ પ્રતિનિધિમંડળમાં ૫૧ નેતાઓ અને ૮ રાજદૂતોનો સમાવેશ થતો હતો. આ પ્રતિનિધિમંડળે વિશ્વભરના ૩૩ દેશોની મુલાકાત લીધી હતી અને ઑપરેશન સિંદૂર અને પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદ પર ભારતનો અભિપ્રાય રજૂ કર્યો હતો.
