વૉરશિપ પર અમેરિકાના સૈનિકોને કુદરતી હાજત માટે ૪૫ મિનિટ લાંબી લાઇન લગાવવી પડતી હોવાથી જવાનો અને ટેક્નિશ્યનો વચ્ચે સંઘર્ષ
ફાઇલ તસવીર
ઈરાનની તરફ આગળ વધી રહેલા અમેરિકાના ન્યુક્લિયર ઍરક્રાફ્ટ કૅરિયર USS જેરાલ્ડ ફોર્ડ પર આજકાલ એક અલગ જ પ્રકારનું સંકટ છવાયેલું છે. ૪૫૦૦થી વધુ સૈનિકો જે યુદ્ધજહાજ પર છે ત્યાંનાં મોટા ભાગનાં ટૉઇલેટ્સ જૅમ થઈ ગયાં હોવાથી સૈનિકોએ રોજ ઓછામાં ઓછી ૪૫ મિનિટ સુધી લાઇનમાં ઊભા રહેવું પડે છે. સાંકડી પાઇપલાઇન અને વૅક્યુમ-બેઝ્ડ સિસ્ટમને કારણે વારંવાર ટૉઇલેટ્સ ખરાબ થઈ રહ્યાં છે. વૅક્યુમ-બેઝ્ડ સિવેજ સિસ્ટમમાં એક વાલ્વ ખરાબ થવાથી એ ડિપાર્ટમેન્ટનાં તમામ ટૉઇલેટ્સ બંધ થઈ જાય છે. વૉલ સ્ટ્રીટ જર્નલના રિપોર્ટ મુજબ લાંબો સમય ટૉઇલેટની લાઇનમાં લાગવું પડતું હોવાથી સૈનિકો અને રિપેરિંગ કરનારા ટેક્નિશ્યન સ્ટાફ વચ્ચે સંઘર્ષ વધી ગયો છે. આમ તો જહાજ પર ૬૦૦ ટૉઇલેટ્સ છે, પરંતુ અત્યારે મોટા ભાગના ડિપાર્ટમેન્ટનાં ટૉઇલેટ્સ જૅમ થઈને બંધ પડ્યાં છે.
૧૩ અબજ ડૉલરના ખર્ચે બનેલા વિશ્વના સૌથી મોટા અને સૌથી અત્યાધુનિક જહાજમાં સિવેજ સિસ્ટમ વૅક્યુમ-બેઝ્ડ છે જેથી પાણીની બચત થઈ શકે. જોકે એ જ સિસ્ટમે અત્યારે ૪૫૦૦ સૈનિકોની રોજની સમસ્યા વધારી દીધી છે. આ ઍરક્રાફ્ટ ૮ મહિનાથી સમુદ્રમાં છે અને લગાતાર ઑપરેશન-મૂવમેન્ટ થઈ રહી હોવાથી રૂટીન મેઇન્ટેનન્સ નથી થઈ શક્યું. લગભગ ૨૦૦થી વધુ ટૉઇલેટ્સ બંધ થઈ ગયાં હોવાથી સૈનિકો અને ટેક્નિશ્યનો પરેશાન થઈ ગયા છે અને આએ દિન તેમની વચ્ચે હાથાપાઈ અને સંઘર્ષ જોવા મળે છે.
