યુનિવર્સિટી પ્રશાસને કૉલેજમાં ૩૦ નવેમ્બર સુધી રજા ઘોષિત કરતાં સેંકડો સ્ટુડન્ટ્સ ઉચાળા ભરીને યુનિવર્સિટી છોડીને ઘરે જતા રહ્યા
ગઈ કાલે યુનિવર્સિટીમાં રજા જાહેર થતાં વિદ્યાર્થીઓ ઘરે જવા રવાના થવા માંડ્યા હતા.
ખાવાપીવાની સુવિધા બરાબર ન હોવાથી મધ્ય પ્રદેશની VIT યુનિવર્સિટીમાં ૧૦૦ સ્ટુડન્ટ્સ માંદા પડતાં ૪૦૦૦ વિદ્યાર્થીઓ વીફર્યા
મધ્ય પ્રદેશના સિહોર જિલ્લામાં વેલોર ઇન્સ્ટિટ્યુટ ઑફ ટેક્નૉલૉજી (VIT) ભોપાલ યુનિવર્સિટીમાં અપૂરતી કૅમ્પસ સુવિધાઓના મુદ્દે મંગળવારે મધરાતે વિદ્યાર્થીઓએ વિરોધ અને તોડફોડ કરીને હિંસક પ્રદર્શન કર્યું હતું. મોડી રાતે માંડ વાતાવરણ શાંત થયા પછી બુધવારે ફરીથી વિદ્યાર્થીઓ વીફર્યા હતા અને લગભગ ૪૦૦૦ વિદ્યાર્થીઓએ આખા કૅમ્પસમાં હિંસક વિરોધ-પ્રદર્શન કર્યું હતું. ખરાબ પીવાનું પાણી, હલકી ગુણવત્તાવાળા ખોરાક અને અસ્વચ્છ શૌચાલયોથી વિદ્યાર્થીઓ હતાશ થયા હતા.
ADVERTISEMENT


મંગળવારે રાતે અને બુધવારે સવારે VIT ભોપાલ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓએ તોડફોડ અને આગ લગાવીને વિરોધ કર્યો હતો.
વિદ્યાર્થીઓએ યુનિવર્સિટી રોડ પર પાર્ક કરવામાં આવેલી મોટરસાઇકલ, કાર અને યુનિવર્સિટીની બસ સહિત છથી ૭ વાહનોને નુકસાન પહોંચાડ્યું હતું અથવા આગ લગાવી હતી. વાઇસ ચાન્સેલરના નિવાસસ્થાને પણ તોડફોડ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.
આ ઘટનાને કારણે યુનિવર્સિટીને ૩૦ નવેમ્બર સુધી રજા જાહેર કરવાની ફરજ પડી હતી. યુનિવર્સિટી સુરક્ષા દ્વારા પરિસ્થિતિને કાબૂમાં લેવાના પ્રારંભિક પ્રયાસો નિષ્ફળ ગયા હતા. સિહોર જિલ્લાનાં પાંચ સ્ટેશનોમાંથી પોલીસને કૅમ્પસમાં વ્યવસ્થા પુનઃ સ્થાપિત કરવા માટે તહેનાત કરવામાં આવી હતી.
વિદ્યાર્થીઓએ પીવાના પાણીને કારણે શંકાસ્પદ કમળાના કેસોમાં વધારો થવાનો પણ આરોપ લગાવ્યો હતો. કેટલાકે મૃત્યુનો દાવો પણ કર્યો. જોકે યુનિવર્સિટીના અધિકારીઓએ કોઈ જાનહાનિનો ઇનકાર કર્યો. તેમણે કહ્યું હતું કે દિવાળી પછી કમળાના શંકાસ્પદ કેસોને લઈને વિદ્યાર્થીઓમાં ચિંતા વધી રહી હતી, પરંતુ કૅમ્પસમાં કોઈ મૃત્યુ થયું નથી.


