સાયન્ટિસ્ટ પણ છે તથા બાસ્કેટબૉલ પ્લેયર અને ભરતનાટ્યમ ડાન્સર પણ છે કશિશ મેથવાણી
કશિશ મેથવાણી
૨૦૨૩માં મિસ ઇન્ટરનૅશનલ ઇન્ડિયા સ્પર્ધા જીતનારી પુણેની સુપર મૉડલ કશિશ મેથવાણીએ ૨૦૨૪માં કમ્બાઇન્ડ ડિફેન્સ સર્વિસ (CDS)ની પરીક્ષામાં દેશમાં બીજું સ્થાન મેળવ્યું હતું. ૬ સપ્ટેમ્બરે તેની પાસિંગ-આઉટ પરેડ યોજાઈ હતી અને હવે તે આર્મી ઍર ડિફેન્સ (AAD)ની લેફ્ટનન્ટ કશિશ મેથવાણી તરીકે પદભાર સંભાળે છે. સપનાં જોવાં અને એમાંથી અમુક જ નહીં, બધાં જ સપનાં પૂરાં કરવાની જીદને કારણે કશિશ મેથવાણી આજે ગ્લૅમર અને સોલ્જર એમ બે બિલકુલ વિરુદ્ધ ક્ષેત્રમાં સફળ થઈને ઉદાહરણરૂપ બની છે.
પુણેની સાવિત્રીબાઈ ફુલે યુનિવર્સિટીમાંથી MSc અને બૅન્ગલોરની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સમાંથી ન્યુરોસાયન્સ વિષય પર MSc થીસિસ કર્યું છે. TEDx ટૉકમાં કશિશે કહ્યું હતું કે ‘મારે મિસ ઇન્ડિયા પણ બનવું હતું, સાયન્ટિસ્ટ પણ બનવું હતું અને ઑફિસર પણ બનવું હતું. બધાં જ ફીલ્ડમાં મારે સફળ બનવું હતું એટલે જ મેં કોઈ એક વિકલ્પ પસંદ કરવાને બદલે બધા જ વિકલ્પોને ફૉલો કરવાનું પસંદ કર્યું. સફળતા મળે જ છે, બસ માઇન્ડસેટ બદલવાની જરૂર છે.’
ADVERTISEMENT
૨૪ વર્ષની ઉંમરે આટલી સિદ્ધિઓ હાંસલ કરનારી કશિશ નૅશનલ લેવલ પિસ્ટલ શૂટર અને બાસ્કેટબૉલ પ્લેયર છે. તબલાપ્લેયર અને ભરતનાટ્યમ ડાન્સર પણ છે. પ્લાઝ્મા અને ઑર્ગન ડોનેશન માટે એક નૉન ગવર્નમેન્ટ ઑર્ગેનાઇઝેશન (NGO) પણ ચલાવે છે. હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી PhD માટેની ઑફરને બદલે તેણે આર્મી જૉઇન કરવાનું પસંદ કર્યું હતું.
કશિશના ઘરમાંથી તે પ્રથમ ઑફિસર છે. તેની મમ્મી ટીચર છે અને પપ્પા રક્ષામંત્રાલયમાં ડિરેક્ટર જનરલ ક્વૉલિટી અશ્યૉરન્સ વિભાગમાં સાયન્ટિસ્ટ તરીકે રિટાયર્ડ થયા છે.

