પાર્ટીઓ દ્વારા મતદાતાઓને આપવામાં આવતાં વચનો માટે તેમને વધુ જવાબદાર ગણાવવા માટેના નવા નિયમો લાવવામાં આવી શકે
પ્રતીકાત્મક તસવીર
રેવડી કલ્ચર એટલે કે પૉલિટિકલ પાર્ટીઓ દ્વારા ચૂંટણીઓ માટે આપવામાં આવતાં ફ્રીમાં સુવિધાઓનાં વચન વિશે છેલ્લા કેટલાક સમયથી ખૂબ ચર્ચા ચાલી રહી છે. હવે ચૂંટણીપંચે જણાવ્યું છે કે ચૂંટણીમાં વચનો આપતી પૉલિટિકલ પાર્ટીઓએ આ વચનોને સાકાર કરવા માટેનું ભંડોળ મેળવવાના તેમના પ્લાનિંગ વિશેની પણ વિગતો આપવી જોઈએ, જેનાથી સંકેત મળે છે કે પાર્ટીઓ દ્વારા મતદાતાઓને આપવામાં આવતાં વચનો માટે તેમને વધુ જવાબદાર ગણાવવા માટેના નવા નિયમો લાવવામાં આવી શકે છે. ચૂંટણીપંચે પૉલિટિકલ પાર્ટીઓને એક લેટર લખ્યો છે, જેમાં ચૂંટણીના ઘોષણાપત્રોમાં પાર્ટીઓ દ્વારા આપવામાં આવતાં વચનોની નાણાકીય અસરોની વિગતો વિશે પૂછવાના એના આયોજન વિશે જણાવાયું છે. પાર્ટીઓને આ પ્રસ્તાવિત ફેરફારો વિશે ૧૯ ઑક્ટોબર સુધી તેમનો જવાબ આપવાનું જણાવવામાં આવ્યું છે. ચૂંટણીપંચે એના લેટરમાં જણાવ્યું હતું કે ‘એવાં વચનો પર જ વોટર્સનો વિશ્વાસ જીતવો જોઈએ જેને સાકાર કરવાં શક્ય છે. ચૂંટણીમાં પોકળ વચનોની ખૂબ અસર થાય છે. ચૂંટણીપંચ એ વાતથી સંમત છે કે ઘોષણાપત્ર પૉલિટિકલ પાર્ટીઓનો અધિકાર છે, પરંતુ કેટલાંક વચનોની અનિચ્છનીય અસરોની એ ઉપેક્ષા ન કરી શકે.’

