બિહારમાં SIR અને ઉપરાષ્ટ્રપતિના રાજીનામાના મુદ્દે બન્ને ગૃહોની કાર્યવાહી સ્થગિત : વિરોધ પક્ષો દ્વારા સંસદના મકર દ્વારની બહાર સંયુક્ત વિરોધ પ્રદર્શન, બિહારમાં મતદારયાદીમાં છેડછાડનો આરોપ લગાવતાં પોસ્ટરો અને પ્લૅકાર્ડ લહેરાવ્યાં
ગઈ કાલે લોકસભામાં ધમાલ મચાવતા વિરોધ પક્ષોના સંસદસભ્યો.
બિહારમાં સ્પેશ્યલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) કવાયત અને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડના અચાનક આવી પડેલા રાજીનામા વિશે વિપક્ષી દળો દ્વારા ચાલી રહેલા વિરોધ વચ્ચે ગઈ કાલે લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી આખા દિવસ માટે સ્થગિત કરવામાં આવી હતી. ગૃહો હવે આજે ફરી મળશે. બન્ને ગૃહો ફરી શરૂ થયાના થોડી વાર પછી પહેલાં બપોરે ૧૨ વાગ્યા સુધી અને પછી બપોરે બે વાગ્યા સુધી અને પછી આખા દિવસ માટે સ્થગિત કરવામાં આવ્યાં હતાં.
સોમવારથી શરૂ થયેલા મૉન્સૂન સત્રની બીજા દિવસની કાર્યવાહી શરૂ થાય એ પહેલાં વિરોધ પક્ષોએ સંસદના મકર દ્વારની બહાર સંયુક્ત વિરોધ-પ્રદર્શનનું આયોજન કર્યું હતું, જેમાં ચૂંટણીપંચ દ્વારા બિહારમાં પક્ષપાતી SIR કવાયત પર ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. રાહુલ ગાંધી, અખિલેશ યાદવ અને અન્ય સહિત ઘણા નેતાઓએ બિહારમાં મતદારયાદીમાં છેડછાડનો આરોપ લગાવતાં પોસ્ટરો અને પ્લૅકાર્ડ લહેરાવ્યાં હતાં.
ADVERTISEMENT
રાજ્યસભામાં વિપક્ષોનો હોબાળો
રાજ્યસભામાં સવારની કાર્યવાહી વિપક્ષના સભ્યો દ્વારા કરવામાં આવેલા હોબાળાને કારણે ખોરવાઈ ગઈ હતી. વિપક્ષોએ SIR હેઠળ બિહારમાં મતદાર-ચકાસણી અભિયાન અને જગદીપ ધનખડના અચાનક રાજીનામા સહિતના કેટલાક મુદ્દાઓ પર ચર્ચાની માગણી કરી હતી. ઉપસભાપતિ હરિવંશે ધનખડના રાજીનામા વિશેની વિપક્ષી સભ્યોની કાર્યવાહી મુલતવી રાખવાની નોટિસ ફગાવી દીધી એટલે વિપક્ષી સભ્યોએ ગૃહમાં હોબાળો મચાવ્યો હતો અને સૂત્રોચ્ચાર કર્યા હતા. ગૃહ બપોર સુધી સ્થગિત કરવામાં આવ્યું. જ્યારે એ ફરીથી શરૂ થયું ત્યારે એમાં અરાજકતા અને હોબાળો જોવા મળ્યાં, જેના કારણે અધ્યક્ષે બપોરે બે વાગ્યા સુધી અને પછી આખા દિવસ માટે કાર્યવાહીને સ્થગિત કરી દીધી હતી.
બિહારમાં ચાલી રહેલા મતદારયાદીના સ્પેશ્યલ ઇન્ટેન્સિવ રિવિઝનનો ગઈ કાલે સંસદભવનની બહાર વિરોધ કરતા ઇન્ડી અલાયન્સના સંસદસભ્યો.
લોકસભામાં પણ સૂત્રોચ્ચાર
લોકસભામાં પણ વિપક્ષોની વિવિધ મુદ્દાઓ પર ચર્ચાની માગણી સાથે વિપક્ષના ઘોંઘાટને કારણે સતત બીજા દિવસે ગૃહની કાર્યવાહી ખોરવાઈ ગઈ હતી. વિપક્ષના સંસદસભ્યોએ ગૃહમાં ઊભા થઈને SIR અને ઑપરેશન સિંદૂર પર તાત્કાલિક ચર્ચાની માગણી કરતો સૂત્રોચ્ચાર કર્યો હતો, પરંતુ સ્પીકર ઓમ બિરલાએ એની પરવાનગી નકારી કાઢી હતી. હોબાળો વધતાં સ્પીકરે ગૃહને પહેલાં બપોર સુધી પછી બપોરે બે વાગ્યા સુધી અને પછી આખા દિવસ માટે સ્થગિત કરી દીધું હતું.
વિપક્ષોના વલણની આકરી ટીકા કરી કિરેન રિજિજુએ
નીચલા ગૃહની કાર્યવાહી બપોરે બે વાગ્યે ફરી શરૂ થઈ ત્યારે સંસદીય બાબતોના પ્રધાન કિરેન રિજિજુએ વિપક્ષી બેન્ચોના વિક્ષેપકારક વર્તન પર આકરા પ્રહારો કર્યા અને ગૃહની કાર્યવાહી સ્થગિત કરવા બદલ તેમની ટીકા કરી હતી. તેમણે કહ્યું હતું કે બિઝનેસ ઍડ્વાઇઝરી કમિટી (BAC)ની બેઠકમાં ઑપરેશન સિંદૂર પર ચર્ચા કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું અને એક નિશ્ચિત સમય નક્કી કરવામાં આવ્યો હતો. બધા મુદ્દાઓ એકસાથે ઉઠાવી શકાતા નથી. છતાં સહકાર આપવાને બદલે તેઓ પ્લૅકાર્ડ સાથે આવ્યા અને ગૃહમાં ખલેલ પહોંચાડી હતી. અમે લેજિસ્લેટિવ કામકાજ સાથે તૈયાર છીએ, પરંતુ વિપક્ષ ફક્ત ખલેલ પહોંચાડવા માટે આવે છે અને કરદાતાઓના પૈસા બગાડે છે.

