નૅવિગેશન અને વિમાનની પોઝિશન બતાવવામાં ગરબડ કેમ થઈ રહી છે એની સરકારે શરૂ કરી તપાસ
પ્રતીકાત્મક તસવીર
દિલ્હીમાં છેલ્લા એક અઠવાડિયાથી વિમાનોને ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ (GPS)માં ફેક અલર્ટ્સ આવી રહી છે જેને GPS સ્પૂફિંગ કહેવાય છે. સ્પૂફિંગને કારણે પાઇલટોને ખોટું લોકેશન અને નૅવિગેશન ડેટા અલર્ટ મળે છે. ઍર ટ્રાફિક કન્ટ્રોલનાં સૂત્રોના કહેવા અનુસાર દિલ્હીના લગભગ ૧૦૦ કિલોમીટર વિસ્તારના એરિયામાં આવી ઘટનાઓ સામે આવી છે અને ફ્લાઇટ રેગ્યુલેટર ડિરેક્ટરેટ જનરલ ઑફ સિવિલ એવિયેશન (DGCA)ને આ બાબતમાં જણાવવામાં આવ્યું છે.
સ્પૂફિંગ એક પ્રકારનો સાઇબર અટૅક છે જે નૅવિગેશન સિસ્ટમને ગોટાળે ચડાવીને ખોટાં GPS સિગ્નલ મોકલે છે. આ ટેક્નિકનો ઉપયોગ ખાસ કરીને વૉર ઝોનમાં વધુ કરવામાં આવે છે જેથી દુશ્મનોનાં ડ્રોન અને વિમાનોને નષ્ટ કરી શકાય.
ADVERTISEMENT
ભારત-પાકિસ્તાન બૉર્ડર પર સ્પૂફિંગ થાય એ સામાન્ય વાત છે, પરંતુ દિલ્હીની ઉપર આવું થવું અસામાન્ય છે. એક ઍરલાઇનના પાઇલટે કહ્યું હતું કે ગયા અઠવાડિયે તેણે ૬ દિવસ ફ્લાઇટ ઉડાડી હતી અને દરેક વખતે તેને GPS સ્પૂફિંગનો સામનો કરવો પડ્યો હતો. દિલ્હી ઍરપોર્ટ પર લૅન્ડ કરતી વખતે તેની કૉકપિટ સિસ્ટમમાં અલર્ટ આવી હતી કે આગળના રૂટ પર કોઈ ખતરો છે. વાસ્તવમાં આવું કંઈ જ નહોતું. આવું જ બીજા ઘણા પાઇલટ્સ સાથે થયું હોવાથી અનેક ફ્લાઇટ્સ ડિલે પણ થઈ હતી. આ બાબતે DGCA દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.


