દિલ્હી સરકારનાં મુખ્ય પ્રધાન રેખા ગુપ્તાએ નરેન્દ્ર મોદીની ૭૫મી વર્ષગાંઠ નિમિત્તે ગઈ કાલે એક ખાસ ગીત લૉન્ચ કર્યું હતું
નરેન્દ્ર મોદી (ફાઈલ તસવીર)
દિલ્હી સરકારનાં મુખ્ય પ્રધાન રેખા ગુપ્તાએ નરેન્દ્ર મોદીની ૭૫મી વર્ષગાંઠ નિમિત્તે ગઈ કાલે એક ખાસ ગીત લૉન્ચ કર્યું હતું. શિક્ષણ વિભાગ દ્વારા તૈયાર કરાયેલું આ ગીત ‘નમો પ્રગતિ દિલ્હી, બાલ સ્વર સે રાષ્ટ્ર સ્વર તક’ છે, જેમાં બાળકોએ ૨૧ અલગ-અલગ ભાષાઓમાં પોતાના અવાજ આપીને નરેન્દ્ર મોદીને વર્ષગાંઠની શુભેચ્છા પાઠવી છે.
ગીતના લૉન્ચ પ્રસંગે રેખા ગુપ્તાએ કહ્યું હતું કે ‘નરેન્દ્ર મોદી વર્ષોથી દિલ્હી માટે જીવનરેખા તરીકે કામ કરી રહ્યા છે. આમ છતાં પાછલી સરકારોએ તેમને ફક્ત ટીકા અને ખોટા શબ્દોથી સંબોધ્યા હતા. આજે આપણી સરકાર તેમનો હૃદયપૂર્વક આભાર માને છે.’
ADVERTISEMENT
રેખા ગુપ્તાએ સ્કૂલના સ્ટુડન્ટ્સનો પણ આભાર માન્યો અને કહ્યું, ‘હું વચન આપું છું કે તમારા કાર્ડ નરેન્દ્ર મોદી સુધી પહોંચી જશે. તેમને ચોક્કસપણે સારું લાગશે કે તમે તેમને આટલી બધી ભાષાઓમાં શુભેચ્છા પાઠવી છે.’
દિલ્હી સરકાર દ્વારા સેવા-પખવાડાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ અંતર્ગત શિક્ષણ ક્ષેત્રે ઘણી નવી પહેલ કરવામાં આવશે. ન્યુ દિલ્હી મ્યુનિસિપલ કાઉન્સિલ (NDMC) વિશ્વ રેકૉર્ડ બનાવવા માટે ‘વિકસિત ભારત કે રંગ, કલા કે સંગ’ કાર્યક્રમનું આયોજન કરશે. આજે રાજ્ય સરકાર દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવશે જેમાં BJPના સેંકડો કાર્યકરો રક્તદાન કરશે.
આજે સ્પેશ્યલ મૉર્નિંગ-વૉક
નરેન્દ્ર મોદીની ૭૫મી વર્ષગાંઠ નિમિત્તે આજે સવારે ૭ વાગ્યે કર્તવ્ય પથ પર એક ખાસ મૉર્નિંગ-વૉકનું આયોજન કરવામાં આવ્યું છે. દિલ્હી સરકારના પ્રધાનો, સ્કૂલનાં બાળકો અને મોટી સંખ્યામાં લોકો એમાં ભાગ લેશે. મોદી સરકારની સિદ્ધિઓ પર એક ભવ્ય પ્રદર્શન પણ યોજાશે, જે રાષ્ટ્રનિર્માણની આ યાત્રાને દર્શાવશે.
સૌથી મોટું પ્રદર્શન
NDMC એક પ્રદર્શનનું આયોજન કરી રહ્યું છે. અત્યાર સુધીમાં ૧૨,૫૦૦ કલાકારોએ એમાં રજિસ્ટ્રેશન કરાવ્યું છે. કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ ૧૦ કિલોમીટર લાંબુ કૅન્વસ-પેઇન્ટિંગ હશે જે પદ્મવિભૂષણ, પદ્મશ્રી, પ્રખ્યાત અને વરિષ્ઠ કલાકારો અને સ્ટુડન્ટ્સ દ્વારા બનાવવામાં આવશે. આ પહેલ વિશ્વની સૌથી મોટી સામૂહિક કલાકૃતિઓમાંની એક હશે અને વિશ્વરેકૉર્ડ બનાવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.

