નાલેશીભરી હાર પછી ભારતીય ખેલાડીઓએ હાથ ન મિલાવતાં જગતભરમાં થઈ રહેલી ફજેતી બાદ લાગ્યો વધુ એક ઝટકો
પાકિસ્તાન ટીમની ફાઇલ તસવીર
એશિયા કપમાંથી ઝિમ્બાબ્વેના ભૂતપૂર્વ ક્રિકેટર અને ભારત-પાકિસ્તાન મૅચના રેફરી ઍન્ડી પાયક્રૉફ્ટને એશિયા કપમાંથી હટાવવાની પાકિસ્તાનની માગણી ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ ઠુકરાવી દીધી છે. ભારત સામેની હાર બાદ ભારતીય ખેલાડીઓએ તેમની સાથે હાથ ન મિલાવતાં ધૂંધવાયેલા પાકિસ્તાનને આ સાથે વધુ એક નીચાજોણું થયું હતું. રેફરીને હટાવવાની માગણી માન્ય નહીં કરવામાં આવે તો એશિયા કપમાંથી હટી જવાની પાકિસ્તાને ધમકી આપી હોવાની ચર્ચા હતી. જોકે આ ધમકીનો અમલ કરવાથી પાકિસ્તાન ક્રિકેટે મોટું નુકસાન ભોગવવું પડે એમ હોવાથી કદાચ એણે પાછીપાની કરી લેવી પડી હશે.
ગયા રવિવારે ભારત સામેના મુકાબલાના ટૉસ દરમ્યાન મૅચ-રેફરી ઍન્ડી પાયક્રૉફ્ટે બન્ને કૅપ્ટનોને હાથ ન મિલાવવાની સૂચના આપી હોવાથી નારાજ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે તેમને ટુર્નામેન્ટમાંથી હટાવવાની ICC સમક્ષ માગણી કરી હતી. ICCએ સોમવારે મોડી રાતે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને આપેલા જવાબમાં પાયક્રૉફ્ટને હટાવવામાં નહીં આવે એમ કહીને તેમની માગણીને ઠુકરાવી દીધી હતી.
ADVERTISEMENT
રેફરી તરીકે ૬૯૫ મૅચનો અનુભવ ધરાવતા પાયક્રૉફ્ટ આજે પાકિસ્તાનના UAE સામેના મુકાબલામાં પણ મૅચ-રેફરી છે.
એશિયા કપમાંથી મેચ-રેફરીને હટાવવાની માગણી ઠુકરાવ્યા બાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે સન્માનજનક ઉકેલ અને પોતાનું નાક બચાવવા માટે પાકિસ્તાનની મૅચ વખતે પાયક્રૉફ્ટની નિયુક્તિ ન કરવા માટેના પ્રયાસ કરી રહ્યું હોવાની ચર્ચા છે. પાકિસ્તાને પાયક્રૉફ્ટને બદલે રિચી રિચર્ડસનને તેમની મૅચોમાં નિયુક્ત કરવાનું પ્રપોઝલ પણ આપ્યું છે. જોકે આનો સ્વીકાર થશે કે નહીં એ એક પ્રશ્ન છે.
દોષી ઉસ્માન વલ્હાની હકાલપટ્ટી?
પાકિસ્તાન ક્રિકેટમાં નીચાજોણા માટે જવાબદાર કોણ એ માટે અધિકારીઓએ એકબીજા પર દોષારોપણ કરવાનું શરૂ કરી દીધું હતું. ચર્ચા પ્રમાણે સર્જાયેલી પરિસ્થિતિ માટે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ડિરેક્ટર ઑફ ક્રિકેટ ઑપરેશન ઉસ્માન વલ્હાને જવાબદાર માનવામાં આવી રહ્યા છે. તેમણે પાકિસ્તાનના કૅપ્ટન સલમાન આગાને ટુર્નામેન્ટના નિયમો વિશે માહિતગાર નહોતો કર્યો. અહેવાલ પ્રમાણે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ચીફ ઉપરાંત એશિયન ક્રિકેટ કાઉન્સિલના ચૅરમૅન મોહસિન નકવીએ વલ્હાની હકાલપટ્ટીનો ઑર્ડર આપી દીધો છે.
ટુર્નામેન્ટમાં ટકી રહેવા આજે પાકિસ્તાન-UAE વચ્ચે ટક્કર
ભારત સામેની હાર બાદ પાકિસ્તાન અને UAE માટે ટુર્નામેન્ટમાં ટકી રહેવા આજે જીતવું જરૂરી છે. હાર અને નાલેશીથી હતપ્રભ થયેલા પાકિસ્તાનને જો આજે UAE ઝટકો આપશે તો T20 વર્લ્ડ કપ બાદ ફરી એક વાર વહેલા ઘરભેગા થવાની નોબત આવશે.

