સંવિધાન દિવસ નિમિત્તે નરેન્દ્ર મોદીએ જનતાને લખેલા પત્રમાં મહાત્મા ગાંધીને ટાંકીને કહ્યું...
ગઈ કાલે સંવિધાન સદનના સેન્ટ્રલ હૉલમાં સંવિધાન દિવસની ઉજવણી દરમ્યાન નરેન્દ્ર મોદી.
પહેલી વાર મતદાન કરનારાઓનું દર વર્ષે ૨૬ નવેમ્બરે સન્માન કરવાની પરંપરા વિકસાવવાની કરી અપીલ
ગઈ કાલે ભારતના લોકતાંત્રિક ઇતિહાસની સૌથી મહત્ત્વપૂર્ણ તારીખોમાંનો એક દિવસ છે. ૨૬ નવેમ્બરે ભારતે સંવિધાન અપનાવ્યું હતું. આ ખાસ અવસરે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને એક પત્ર લખ્યો હતો. એમાં તેમણે કહ્યું હતું કે ‘આપણું સંવિધાન એક પવિત્ર દસ્તાવેજ છે જે નિરંતર દેશના વિકાસમાં સાચું માર્ગદર્શક બન્યું છે. એ ભારતના સંવિધાનની શક્તિ છે જેણે મારા જેવી ગરીબ પરિવારથી આવેલી સાધારણ વ્યક્તિને વડા પ્રધાન પદ સુધી પહોંચાડી છે. સંવિધાનના કારણે મને ૨૪ વર્ષ નિરંતર સરકારના મુખિયા તરીકે કામ કરવાનો અવસર મળ્યો છે.’
મૌલિક કર્તવ્યોની યાદ અપાવતાં નરેન્દ્ર મોદીએ લખ્યું હતું કે ‘આપણા સંવિધાનનો આર્ટિકલ 51A મૌલિક કર્તવ્યોને સમર્પિત છે. એ કર્તવ્યો આપણને સામાજિક અને આર્થિક પ્રગતિનો રસ્તો દેખાડે છે. મહાત્મા ગાંધીએ હંમેશાં નાગરિકોનાં કર્તવ્યો પર જોર આપ્યું હતું. તેઓ માનતા હતા કે જ્યારે આપણે ઈમાનદારીથી કર્તવ્યનું પાલન કરીએ છીએ ત્યારે અધિકાર આપમેળે મળી જાય છે. આપણે રાષ્ટ્ર પ્રત્યે, સમાજ પ્રત્યે આપણા કર્તવ્યોનું નિર્વહન કરવું જોઈએ. દેશે આપણને કેટલું આપ્યું છે. એ માટે આપણા મનમાં કૃતજ્ઞતાનો ભાવ હોવો જોઈએ.’
ADVERTISEMENT
પહેલી વાર મતદાતા બનનારાઓને સંબોધીને તેમણે લખ્યું હતું કે ‘સંવિધાન આપણને મતદાનનો અધિકાર આપે છે. એક નાગરિક તરીકે એ આપણું કર્તવ્ય છે. મતદાનનો કોઈ અવસર ન છોડો. ૧૮ વર્ષના થઈ ગયેલા યુવાનોને મહેસૂસ કરાવવું જોઈએ કે હવે તેઓ માત્ર વિદ્યાર્થી નથી, પરંતુ નીતિ-નિર્માણની પ્રક્રિયાના સક્રિય સહભાગી છે. સ્કૂલોમાં દર વર્ષે ૨૬ નવેમ્બરે ફર્સ્ટ ટાઇમ વોટર્સનું સન્માન કરવાની પરંપરા વિકસાવવી જોઈએ.’
૯ ભાષામાં સંવિધાન
ગઈ કાલે સંસદભવનના સેન્ટ્રલ હૉલમાં સંવિધાન દિવસની ઉજવણી કરીને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ૯ નવી ભાષાઓમાં સંવિધાન બહાર પાડ્યું હતું. આ ૯ ભાષાઓ છે મલયાલમ, મરાઠી, નેપાલી, પંજાબી, બોડો, કાશ્મીરી, તેલુગુ, ઓડિશા અને આસામી.
પંજાબનાં ૩ શહેરોને પવિત્ર શહેરોનો દરજ્જો આપવામાં આવ્યો
પંજાબ સરકારે સોમવારે અમ્રિતસર, આનંદપુર સાહિબ અને તલવંડી સાબોને પવિત્ર શહેરોનો દરજ્જો આપવાનો નિર્ણય લીધો હતો. આ નિર્ણય બાદ પંજાબના મુખ્ય પ્રધાન ભગવંત માને એક સોશ્યલ મીડિયા પોસ્ટમાં લખ્યું હતું કે શ્રી અમ્રિતસર સાહિબ (ચાર દીવાલોવાળું શહેર), તખ્ત શ્રી કેસગઢ સાહિબ (શ્રી આનંદપુર સાહિબ) અને તખ્ત શ્રી દમદમા સાહિબ (તલવંડી સાબો)ને પવિત્ર શહેરોનો દરજ્જો આપવામાં આવ્યો છે. શ્રી ગુરુ તેગ બહાદુરજીના શહીદ દિવસે આયોજિત એક ખાસ સત્રમાં આ અંગેનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો.


