બીજી બાજુ શુક્રવારે હિંસા બદલ ઓલી સરકારે ભૂતપૂર્વ રાજા જ્ઞાનેન્દ્ર શાહને નુકસાન ભરપાઈ કરવા નોટિસ મોકલી
પ્રતીકાત્મક તસવીર
નેપાલમાં માત્ર ૧૬ વર્ષ સુધી બંધારણમાં ધર્મનિરપેક્ષ શબ્દ લખાયેલો રહ્યો. ત્યાર બાદ ફરીથી નેપાલને હિન્દુ રાષ્ટ્ર બનાવવાની માગણી થઈ છે. આ માગણી સાથે ભયંકર હિંસા થઈ હતી. વડા પ્રધાન ઓલી અને કમ્યુનિસ્ટ સરકાર વિરુદ્ધ મોટા પાયે વિરોધ-પ્રદર્શન થઈ રહ્યું છે. રાજાશાહીના સમર્થકોએ ત્રીજી એપ્રિલ સુધીનું અલ્ટિમેટમ આપ્યું છે જેને લઈને સરકાર ચિંતામાં મુકાઈ ગઈ છે.
બીજી તરફ નેપાલમાં રાજાશાહીના સમર્થનમાં થયેલી હિંસા બાદ ઓલી સરકારે ભૂતપૂર્વ રાજા જ્ઞાનેન્દ્ર શાહ સામે મોટી કાર્યવાહી હાથ ધરી હતી. કાઠમંડુ નગર નિગમે ભૂતપૂર્વ રાજા જ્ઞાનેન્દ્ર શાહને નુકસાનની ભરપાઈ કરવા નોટિસ પણ મોકલી હતી. એમાં ભૂતપૂર્વ રાજા પાસે ૭.૯૩ લાખ નેપાલી રૂપિયા (પાંચ લાખ રૂપિયા) ચૂકવવાનો આદેશ કરાયો હતો. આ સાથે ભૂતપૂર્વ રાજાની સુરક્ષામાં મૂકેલા ૨૫ સુરક્ષાકર્મીઓની સંખ્યા ઘટાડી ૧૬ કરી દેવાઈ છે તેમ જ જૂના તમામ સુરક્ષાકર્મીઓને બદલી નાખવામાં આવ્યા છે.
શું હતી ઘટના?
૨૮ માર્ચે સવારે અંદાજે ૧૧.૩૦ વાગ્યે કાઠમાંડુના તિનકુને વિસ્તારમાં રાજાશાહી સમર્થક રૅલી શરૂ થઈ હતી. આ રૅલી સંસદભવન નજીક પહોંચવાનો પ્રયાસ કરી રહી હતી. ૨૦૦૮માં સમાપ્ત કરવામાં આવેલા રાજતંત્રને ફરીથી લાગુ કરવાની માગણી સાથે નીકળેલી આ રૅલી અચાનક હિંસક બની હતી. સમર્થકોએ અનેક ઘર, ઇમારતો અને દુકાનોને આગ ચાંપી હતી. આ હિંસામાં બે લોકોનાં મોત થયાં હતાં, જ્યારે ૧૫થી વધુ લોકો ઘાયલ થયા હતા. પોલીસ અને સરકાર આક્રમક રીતે તપાસ કાર્યવાહી કરી રહી છે. પોલીસે અત્યાર સુધીમાં ૧૩૦ લોકોની ધરપકડ કરી છે. નેપાલના ગૃહમંત્રાલયે આ સમગ્ર ઘટના માટે ભૂતપૂર્વ રાજા જ્ઞાનેન્દ્ર શાહ અને તેમના તરફથી આંદોલનનું નેતૃત્વ કરી રહેલા દુર્ગા પ્રસાઈને જવાબદાર ઠેરવ્યા છે.

