પ્રિયંકાએ યાદ કર્યું કે કટોકટી બાદ દાદી ચૂંટણી હાર્યાં ત્યારે પરિવાર બીજા ઘરમાં રહેવા ગયો હતો અને વાતાવરણમાં ભારે તનાવ હતો.
સોનિયા ગાંધીનાં સંસ્મરણોના પુસ્તક વિશે મમ્મી સાથે ચર્ચા કરતાં પ્રિયંકા ગાંધી વાડ્રા અને રાહુલ ગાંધી
૧૯૭૭ની લોકસભા ચૂંટણીમાં ભૂતપૂર્વ વડાં પ્રધાન ઇન્દિરા ગાંધીની હાર બાદ સ્કૂલમાં એક સહપાઠીએ કાકા સંજય ગાંધીને ‘ચોર’ કહેતાં પોતે તેને તમાચો મારી દીધો હોવાનો કિસ્સો પ્રિયંકા ગાંધી વાડ્રાએ વાગોળ્યો હતો. મંગળવારે રાહુલ ગાંધીની યુટ્યુબ ચૅનલ પર શૅર કરાયેલા ૨૩ મિનિટના વિડિયોમાં સોનિયા ગાંધીનાં સંસ્મરણો ‘બિલૉન્ગિંગ’ વિશેની વાતચીત દરમિયાન તેમણે આ ખુલાસો કર્યો હતો.
પ્રિયંકાએ યાદ કર્યું કે કટોકટી બાદ દાદી ચૂંટણી હાર્યાં ત્યારે પરિવાર બીજા ઘરમાં રહેવા ગયો હતો અને વાતાવરણમાં ભારે તનાવ હતો. એ સમયે સ્કૂલમાં એક નાના છોકરાએ આવીને કહ્યું કે ‘તેરા ચાચા જેલ મેં હૈ, ચોર હૈ તેરા ચાચા.’ આ સાંભળીને પ્રિયંકાએ તેને તમાચો મારી દીધો હતો, જેનાથી તે રડવા લાગ્યો અને ટીચરે પ્રિયંકાને ઠપકો આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે કટોકટી બાદ સત્તાના દુરુપયોગ અને ૧૯૭૫માં ગુડગાંવની મારુતિ ફૅક્ટરીમાં ‘કિસ્સા કુર્સી કા’ ફિલ્મની પ્રિન્ટ સળગાવવાના કેસમાં સંજય ગાંધી જેલમાં ગયા હતા. ૧૯૭૮માં સુપ્રીમ કોર્ટે જામીન રદ કરતાં તેઓ ફરી જેલમાં ગયા હતા અને ફેબ્રુઆરી ૧૯૭૯માં તેમને બે વર્ષની સજા થઈ હતી, જે પાછળથી અપીલ પેન્ડિંગ રહેતાં મોકૂફ રખાઈ હતી.
