પતિના અવસાનને પગલે તેના સ્થાને નોકરી મેળવ્યા પછી સાસરિયાંની સંભાળ રાખવાનો ઇનકાર કરી દીધો એટલે રાજસ્થાન હાઈ કોર્ટ વીફરી
પ્રતીકાત્મક તસવીર
રાજસ્થાન હાઈ કોર્ટે એક મહિલાના પગારમાંથી દર મહિને ૨૦,૦૦૦ રૂપિયા કાપીને તેના સસરાના બૅન્ક-ખાતામાં જમા કરાવવાનો આદેશ આપ્યો હતો. આ મહિલાના પતિના મૃત્યુ પછી મહિલાએ તેના સ્થાને અનુકંપાના આધારે નોકરી મેળવી હતી, પરંતુ બાદમાં તેણે તેનાં સાસરિયાંની સંભાળ રાખવાનો ઇનકાર કર્યો હોવાથી કોર્ટે ઉપરોક્ત ચુકાદો આપ્યો હતો. કોર્ટે જણાવ્યું હતું કે અનુકંપાના આધારે મળતી નોકરી આખા પરિવાર માટે છે, જો કોઈ વ્યક્તિ મૃત કર્મચારીના પરિવારને ટેકો આપવાની શરતે કરુણાપૂર્ણ નિમણૂક મેળવે છે તો તે આ જવાબદારીથી છટકી શકે નહીં.
ન્યાયાધીશ ફરઝંદ અલીની સિંગલ બેન્ચે આદેશ આપ્યો કે અજમેર વિદ્યુત વિતરણ નિગમ લિમિટેડમાં કામ કરતી મહિલા કર્મચારી શશી કુમારીના પગારમાંથી દર મહિને ૨૦,૦૦૦ રૂપિયા કાપીને તેના સસરા ભગવાન સિંહના બૅન્ક-ખાતામાં જમા કરાવવામાં આવે.
ADVERTISEMENT
ભગવાન સિંહના પુત્ર રાજેશ કુમારનું ૨૦૧૫માં સેવા દરમ્યાન અવસાન થયું હતું. વિભાગે ભગવાન સિંહને અનુકંપાના આધારે નોકરી મેળવવા માટે અરજી કરવા કહ્યું હતું, પરંતુ તેમણે ઉદારતાથી તેમની પુત્રવધૂ શશી કુમારીની ભલામણ કરી હતી. ત્યાર બાદ શશી કુમારીની લોઅર ડિવિઝન ક્લર્ક તરીકે નિમણૂક કરવામાં આવી હતી. પુત્રવધૂએ નિમણૂક પહેલાં એક સોગંદનામું આપ્યું હતું કે તે તેનાં સાસુ-સસરાનું ભરણપોષણ કરશે, પરંતુ નોકરી મળ્યા બાદ તેણે તેમની દેખભાળ રાખી નહોતી એથી ભગવાન સિંહે તેના પગારના ૫૦ ટકા ભરણપોષણ તરીકે માગ્યા હતા.


