જૈવિક-રાસાયણિક હથિયારો બનાવવાની ફિરાકમાં રહેતા આ સંગઠનનું નેટવર્ક બંગલાદેશમાં પણ ફેલાઈ રહ્યું છે
પ્રતીકાત્મક તસવીર
૨૦૨૫ની ૧૦ નવેમ્બરે દિલ્હીમાં લાલ કિલા મેટ્રો સ્ટેશન પાસે થયેલા ધમાકામાં ૧૧ લોકો મૃત્યુ પામ્યા હતા અને અનેક લોકો ઘાયલ થયા હતા. યુનાઇટેટ નેશન્સ સિક્યૉરિટી કાઉન્સિલ (UNSC)એ જાહેર કરેલા ૩૮મા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે આ બ્લાસ્ટમાં અલ કાયદા સાથે સંકળાયેલા સંગઠનનો હાથ હતો. રિપોર્ટ મુજબ અલ કાયદા ઇન ધી ઇન્ડિયન સબકૉન્ટિનન્ટ (AQIS) સંસ્થાની સંડોવણીની પુષ્ટિ થઈ છે.
આ પહેલાં UNSCના ૩૭મા રિપોર્ટમાં આ હુમલા પાછળ જૈશ-એ-મોહમ્મદ (JeM)નો હાથ હોવાનું કહેવાયું હતું. જોકે ભારતની નૅશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ની ચાર્જશીટમાં થયેલા દાવા મુજબ આરોપીઓ AQIS સાથે સંકળાયેલા હોવાનું નોંધાયું હતું.
UNSCના ૧૦ ઑગસ્ટે બહાર પડેલા રિપોર્ટ મુજબ AQIS બંગલાદેશમાં પણ આતંકવાદી સેલ બનાવવાની કોશિશ કરી રહ્યું છે. આ સંગઠને પોતાનું લૉજિસ્ટિક્સ અને ફાઇનૅન્શ્યલ નેટવર્ક તૈયાર કરી લીધું છે અને બંગલાદેશમાં ખૂબ ઝડપથી ફેલાવો વધારી રહ્યું છે એ ચિંતાનો વિષય છે. AQIS ઘણા સમયથી ઝેરી રાસાયણિક અને જૈવિક હથિયારો બનાવવાનું ષડ્યંત્ર કરી રહ્યું છે.
