વિધાયક દળની બેઠક બાદ રેખા ગુપ્તા પાર્ટીના ત્રણ અન્ય વરિષ્ઠ નેતાઓ સાથે લેફ્ટનન્ટ ગવર્નરને મળવા ગયાં હતાં અને સરકાર રચવાનો દાવો રજૂ કર્યો હતો.
રેખા ગુપ્તા
પહેલી વાર વિધાનસભ્ય બનેલાં રેખા ગુપ્તાને ગઈ કાલે દિલ્હીનાં મુખ્ય પ્રધાન ચૂંટવામાં આવ્યાં ત્યારે સાથીઓએ તેમનું મોં મીઠું કરાવ્યું હતું. પાર્ટીએ પોતાને આ જવાબદારી માટે યોગ્ય માન્યાં એ બદલ રેખા ગુપ્તાએ વરિષ્ઠોને નમન કર્યું હતું અને પછી દિલ્હીના લેફ્ટનન્ટ જનરલ વી. કે. સક્સેનાને મળીને સરકાર રચવાનો દાવો રજૂ કર્યો હતો
ત્રણ વાર નગરસેવિકા બનેલાં, વિધાનસભાની બે ચૂંટણી હાર્યા પછી પહેલી વાર MLA બનેલાં રેખા ગુપ્તા બન્યાં દિલ્હીનાં નવાં મુખ્ય પ્રધાન
ADVERTISEMENT
ભારતમાં BJPનાં એકમાત્ર મહિલા ચીફ મિનિસ્ટર
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની પસંદગી પર વિધાયક મંડળની બેઠકમાં મહોર લાગી : શીલા દીિક્ષત, સુષમા સ્વરાજ અને આતિશી પછી ૫૦ વર્ષનાં રેખા ગુપ્તા દિલ્હીનાં ચોથા મહિલા મુખ્ય પ્રધાન ઃ આજે રામલીલા મેદાનમાં શપથવિધિ
ભારતીય જનતા પાર્ટી (BJP)એ દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ૨૭ વર્ષ પછી સત્તામાં વાપસી કર્યા બાદ ગઈ કાલે વિધાયક દળના નેતા તરીકે પહેલી વારનાં વિધાનસભ્ય ૫૦ વર્ષનાં રેખા ગુપ્તાની પસંદગી કરી હતી. દેશમાં BJPશાસિત રાજ્યોમાં હવે રેખા ગુપ્તા એકમાત્ર મહિલા ચીફ મિનિસ્ટર છે. તેઓ આજે દિલ્હીનાં ચોથા મહિલા મુખ્ય પ્રધાન તરીકે શપથ ગ્રહણ કરશે. ગઈ કાલે વિધાયક દળની બેઠકમાં રેખા ગુપ્તાનું નામ પ્રવેશ વર્માએ પ્રપોઝ કર્યું હતું. પ્રવેશ વર્માને નાયબ મુખ્ય પ્રધાન બનાવવામાં આવ્યા છે.
રેખા ગુપ્તા ૨૦૨૩માં આમ આદમી પાર્ટીનાં શેલી ઑબેરૉય સામેની લડતમાં દિલ્હીનાં મેયર નહોતાં બની શક્યાં, પણ બે વર્ષ બાદ તેઓ દિલ્હીનાં મુખ્ય પ્રધાન બન્યાં છે. આજે રામલીલા મેદાનમાં નવાં મુખ્ય પ્રધાનનો શપથગ્રહણ સમારોહ યોજાશે.
ઓછી ઉંમર, દાગ વિનાની ઇમેજ અને સંગઠન પર જબરદસ્ત પ્રભાવ ધરાવતાં રેખા ગુપ્તા શાલીમાર બાગ વિધાનસભા મતદારસંઘમાંથી પહેલી વાર ચૂંટાઈ આવ્યાં છે. ગઈ કાલે સવારથી અનેક નામ ચાલી રહ્યાં હતાં, પણ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ની પસંદગી એવાં રેખા ગુપ્તાની આખરે સર્વાનુમતે પસંદગી કરવામાં આવી હતી. વિધાયક દળની બેઠક બાદ રેખા ગુપ્તા પાર્ટીના ત્રણ અન્ય વરિષ્ઠ નેતાઓ સાથે લેફ્ટનન્ટ ગવર્નરને મળવા ગયાં હતાં અને સરકાર રચવાનો દાવો રજૂ કર્યો હતો.
BJPના કોઈ પણ મુખ્ય પ્રધાન પર ભ્રષ્ટાચારનો કોઈ કેસ નથી. દિલ્હીમાં પણ રેખા ગુપ્તાની પસંદગી વખતે આ વાતનું ધ્યાન રાખવામાં આવ્યું છે. રેખા ગુપ્તાનું નામ જાહેર કરીને પૂર્વથી પશ્ચિમ અને ઉત્તરથી દક્ષિણ સુધી BJPએ પાર્ટી વિથ ડિફરન્સનો સંદેશ આપ્યો છે.
કોણ છે રેખા ગુપ્તા?
રેખા ગુપ્તાનો પરિવાર મૂળ હરિયાણાના જિંદનો વતની છે, પણ રેખા ગુપ્તા બે વર્ષનાં હતાં ત્યારે તેમનો પરિવાર દિલ્હી શિફ્ટ થયો હતો. રેખા ગુપ્તાનો જન્મ ૧૯૭૪ની ૧૯ જુલાઈએ થયો હતો. તેઓ ૧૯૯૨માં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સાથે જોડાયાં હતાં અને સ્ટુડન્ટ્સ રાજકારણમાં પ્રવેશ કર્યો હતો.
દિલ્હી યુનિવર્સિટી સ્ટુડન્ટ્સ યુનિયન (DUSU)નાં તેઓ ભૂતપૂર્વ મહામંત્રી છે. આ સિવાય દિલ્હી સ્ટેટ ભારતીય જનતા પાર્ટી (BJP)નાં મહામંત્રી અને રાષ્ટ્રીય કારોબારીનાં મેમ્બર છે. ૧૯૯૬-’૯૭માં તેઓ DUSUનાં પ્રમુખ હતાં. ૨૦૦૭માં તેઓ ઉત્તરી પિતમપુરા (વૉર્ડ-નંબર ૫૪)માં પહેલી વાર નગરસેવિકા તરીકે ચૂંટાઈ આવ્યાં હતાં. ત્યાર પછી તેઓ બે વાર નગરસેવિકા તરીકે ચૂંટાઈ આવ્યાં હતાં. ૨૦૨૫ની દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં તેઓ શાલીમાર બાગ બેઠક પરથી ૨૯,૫૯૫ મતથી જીત્યાં હતાં. તેમણે આમ આદમી પાર્ટી (AAP)નાં નેતા બંદના કુમારીને હરાવ્યાં હતાં. જોકે આ પહેલાંની બે વિધાનસભાની ચૂંટણીમાં તેઓ હારી ગયાં હતાં.
રેખા ગુપ્તાની કુલ સંપત્તિ ૫.૩૧ કરોડ રૂપિયાની છે અને તેમની ઉપર ૧.૨૦ કરોડ રૂપિયાનું દેવું પણ છે. સ્પેર પાર્ટ્સનો વ્યવસાય કરતા તેમના પતિ મનીષ ગુપ્તાની સંપત્તિ તેમના કરતાં ઘણી વધારે છે.

