દેવકીનંદન ઠાકુર, ધીરેન્દ્ર શાસ્ત્રી, ઇન્દ્રેશ ઉપાધ્યાય અને ચિન્મયાનંદ બાપુ જેવા
સનાતન ક્રિકેટ લીગ
૧૮ ઑક્ટોબરે દિલ્હીના કરનૈલ સિંહ સ્ટેડિયમમાં રમાનારી સનાતન ક્રિકેટ લીગ દ્વારા હિમાચલ પ્રદેશ, પંજાબ અને ઉત્તરાખંડના પૂરપીડિતો માટે એકઠું થશે ભંડોળ ઃ જોવા આવવા માટે ટિકિટ નથી, તમારે ચાહો એટલું દાન સનાતન ન્યાસ ફાઉન્ડેશનમાં નોંધાવવાનું રહેશે
સનાતન ધર્મના કથાકારો સભામંડપોની સાથે ક્રિકેટના મેદાનમાં ચોગ્ગા-છગ્ગા લગાવતા જોવા મળશે. આ વરસાદની સીઝનમાં ભારતના વિવિધ પ્રાંતોમાં મુશળધાર વરસાદને કારણે પૂર જેવી સ્થિતિએ ઘણું નુકસાન કર્યું હતું. આ પૂરના પીડિતોને સહાયતા કરી શકાય એ માટે મથુરાના જાણીતા દેવકીનંદન ઠાકુરે દિલ્હીમાં ‘સનાતન ક્રિકેટ લીગ’ની જાહેરાત કરી હતી. આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી, ઇન્દ્રેશ ઉપાધ્યાય અને ચિન્મયાનંદ બાપુ જેવા પ્રસિદ્ધ કથાવાચકો પણ સામેલ થશે. આ ટુર્નામેન્ટનો મુખ્ય ઉદ્દેશ હિમાચલ પ્રદેશ, પંજાબ અને ઉત્તરાખંડના પૂરપીડિતો માટે ફાળો એકત્ર કરવાનું અને જાગરૂકતા વધારવાનું છે.
ADVERTISEMENT
ચાર ટીમો
સનાતત ક્રિકેટ લીગની મૅચો દિલ્હીના પહાડગંજમાં આવેલા કરનૈલ સિંહ સ્ટેડિયમમાં રમાશે. ચારેય કથાવાચકોની પોતપોતાની ટીમો હશે અને એ ચારેયનાં નામો પણ બહુ રોચક છે. દેવકીનંદન ઠાકુરની ટીમનું નામ છે વૃંદાવન વૉરિયર, ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની ટીમનું નામ બજરંગ બ્લાસ્ટર્સ, ઇન્દ્રેશ ઉપાધ્યાની ટીમનું નામ રાધે રૉયલ્સ અને ચિન્મયાનંદ બાપુની ટીમનું નામ રાઘવ રાઇડર્સ રાખવામાં આવ્યું છે. આ ટીમોમાં કથાવાચકોની સાથે-સાથે સંત સમાજ સામેલ થશે.
આ અનોખી ક્રિકેટ-ટુર્નામેન્ટની જાણકારી આપતાં દેવકીનંદન ઠાકુરે કહ્યું હતું ‘આ વર્ષે હિમાચલ, પંજાબ, ઉત્તરાખંડમાં સામાન્ય કરતાં અનેકગણો વરસાદ થયો. એનાથી હજારો પરિવારો પ્રભાવિત થયા છે. સેંકડો પરિવારો બેઘર થઈ ગયા. તેમનો ઘરબાર અને દૈનિક જરૂરિયાતનો સામાન પણ નષ્ટ થઈ ચૂક્યો છે. સેંકડો લોકો રાહત-શિબિરોમાં રહીને પુનર્વસનની હિંમત એકઠી કરી રહ્યા છે ત્યારે સરકારની સાથે આપણા સૌનું પણ દાયિત્વ છે કે દરેક પ્રકારનો સહયોગ કરીએ.’
સનાતન ન્યાસ ફાઉન્ડેશન દ્વારા પૂરપીડિત પરિવારોને રૅશન અને જરૂરી દૈનિક સામાન જેમ કે કપડાં, વાસણ, ફર્નિચર, અનાજ, પથારી જેવી ચીજો પહોંચાડવામાં આવશે. આ માનવતાપૂર્ણ કામમાં લોકોની ભાગીદારી માટે ચૅરિટી સનાતન ક્રિકેટ લીગનું આયોજન સનાતન ન્યાસ ફાઉન્ડેશન દ્વારા થઈ રહ્યું છે. ધર્મ જગતના યુવા ધર્માચાર્યો તેમના પરિવારો અને સનાતની યુવાનોની સાથે આ ટુર્નામેન્ટમાં ભાગ લેશે.
એક દિવસીય ટુર્નામેન્ટમાં સ્ટેડિયમમાં પ્રવેશ ફ્રી છે. આ ટુર્નામેન્ટ દરમ્યાન દર્શકો કે કોઈ પણ આમંત્રિતો પૂરપીડિતો માટે સનાતન ન્યાસ ફાઉન્ડેશનમાં સહયોગ રાશિ આપી શકશે.

