DMKના પ્રમુખ એમ. કે. સ્ટૅલિનનો સવાલ : શું આ ભારતની પ્રગતિમાં યોગદાન આપવાની સજા છે? BJP આગ સાથે રમી રહી છે
DMKના પ્રમુખ એમ. કે. સ્ટૅલિન
આજે સંસદમાં રજૂ થનારા સીમાંકન બિલનો તામિલનાડુમાં જોરદાર વિરોધ થઈ રહ્યો છે અને રાજ્યમાં આજે સર્વત્ર કાળા ઝંડા લહેરાવીને વિરોધ પ્રદર્શિત કરવામાં આવશે. આ મુદ્દે દ્રવિડ મુન્નેત્ર કઝઘમ (DMK)ના પ્રમુખ એમ. કે. સ્ટૅલિને તેમની પાર્ટીના સંસદસભ્યોને સંસદમાં સીમાંકન મુદ્દે લાવવામાં આવી રહેલા બિલનો જોરદાર વિરોધ કરવા જણાવ્યું છે. સંસદસભ્યો સાથેની બેઠકમાં સ્ટૅલિને આરોપ લગાવ્યો હતો કે ‘સંસદમાં રજૂ થનારું સીમાંકન બિલ તામિલનાડુ અને સાઉથ ઇન્ડિયાનાં રાજ્યો સાથે ઘોર ઐતિહાસિક અન્યાય છે. BJP આગ સાથે રમી રહી છે અને વિંધ્યના દક્ષિણ ક્ષેત્રનો દરેક સાઉથ ઇન્ડિયન ગુસ્સામાં છે.’
સ્ટૅલિનનો વિરોધ કેમ?
ADVERTISEMENT
સ્ટૅલિન દલીલ કરે છે કે ‘વસ્તીઆધારિત બેઠકોનું પુનર્વિતરણ તામિલનાડુ જેવાં દક્ષિણનાં રાજ્યોનું રાજકીય વજન ઘટાડશે જેમણે વસ્તી-વૃદ્ધિને સફળતાપૂર્વક નિયંત્રિત કરી છે, જ્યારે વધુ વસ્તી-વૃદ્ધિ ધરાવતાં ઉત્તરનાં રાજ્યો માટે પ્રતિનિધિત્વ વધારશે. આ ડેવલપમેન્ટ ઇન્ડિકેટરો પર વધુ સારું પ્રદર્શન કરનારાં રાજ્યોને અસરકારક રીતે સજા આપે છે. આ પગલું ઉત્તર-દક્ષિણ વિભાજનને વિસ્તૃત કરી શકે છે અને ભારતના સંઘીય માળખાને વિકૃત કરી શકે છે.’
બીજું શું કહ્યું?
જો કેન્દ્ર સરકારે તામિલનાડુના વિરોધનું સન્માન કરવા અને પાછળ હટવાનો ઇનકાર કર્યો તો એનાં પરિણામો તમારે ભોગવવાં પડશે, તમારે ભારે કિંમત ચૂકવવી પડશે.
અમારા માથા પર લટકી રહેલી તલવાર હવે અમારા પર પડી છે.
સીમાંકન બિલ પાર્ટી કે વ્યક્તિવિરોધી નથી પણ આ અમારા લોકોના અધિકારોની રક્ષા બાબતે છે. હું દેશની તમામ પાર્ટીઓને અને સંસદસભ્યોને લોકતંત્રની રક્ષા કરવા માટે એકજૂટ થવાની અપીલ કરું છું.
આજે કાળા ઝંડા લહેરાવાશે
સ્ટૅલિને વિરોધ-પ્રદર્શન વિશે જાણકારી આપતાં કહ્યું હતું કે આજે સીમાંકનના વિરોધમાં આખા તામિલનાડુમાં ઘરો અને સાર્વજનિક સ્થળો પર કાળા ઝંડા લહેરાવવામાં આવશે.
