૭૮ વર્ષમાં પહેલી વાર એપ્રિલ મહિનાનો સૌથી ગરમ દિવસ નોંધાયો
પ્રતીકાત્મક તસવીર
જમ્મુ અને કાશ્મીરના શ્રીનગરમાં મંગળવારે તાપમાન ૩૦.૪ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું અને એ ૭૮ વર્ષ બાદ સૌથી વધારે હતું. આ સામાન્ય તાપમાન કરતાં આશરે ૧૦.૨ ડિગ્રી વધારે હતું. સામાન્ય રીતે વર્ષના આ સમયગાળામાં શ્રીનગરમાં તાપમાન ૨૦.૨ ડિગ્રી જેટલું હોય છે. મંગળવારે શ્રીનગરમાં આખો દિવસ સૂર્યપ્રકાશ હતો અને લોકોને ભારે ગરમીનો સામનો કરવો પડ્યો હતો.
હવામાન ખાતાએ જણાવ્યું હતું કે જમ્મુ અને કાશ્મીરની રાજધાની શ્રીનગરમાં છેલ્લે ૧૯૪૬ની ૨૦ એપ્રિલે તાપમાન ૩૧.૧ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. કાશ્મીરના અન્ય વિસ્તારોમાં પણ તાપમાન સામાન્ય કરતાં ૮.૧થી ૧૧.૨ ડિગ્રી સેલ્સિયસ વધારે નોંધાયું હતું.
એકાએક તાપમાન આશરે ૧૦.૨ ડિગ્રી સેલ્સિયસ વધારે નોંધાતાં શ્રીનગરવાસીઓ પણ અચંબામાં મુકાયા હતા. આ અસામાન્ય ઘટના છે. હવામાન ખાતાએ આગાહી કરી છે કે ૧૮થી ૨૦ એપ્રિલ દરમ્યાન શ્રીનગર અને આસપાસના વિસ્તારોમાં સામાન્ય વરસાદ નોંધાશે અને ઊંચાણવાળાં કેટલાંક સ્થળે બરફવર્ષા થશે.

