નક્સલ નેટવર્કના સૌથી ભયાનક કમાન્ડર અને ૨૬ હુમલાના માસ્ટરમાઇન્ડનું આંધ્ર પ્રદેશમાં ગઈ કાલે સવારે થયું એન્કાઉન્ટર, બે પત્નીઓ સાથે ચાર બૉડીગાર્ડનો પણ ખાતમો
માડવી હિડમા
૧ કરોડ રૂપિયાનું ઇનામ ધરાવતા માઓવાદી નક્સલી માડવી હિડમા અને તેની બે પત્ની સહિત કુલ ૬ નક્સલવાદીઓ ગઈ કાલે સવારે ૬.૩૦થી ૭.૦૦ વાગ્યા દરમ્યાન આંધ્ર પ્રદેશના મારેડુમિલી વિસ્તારમાં થયેલા એન્કાઉન્ટરમાં ઠાર થયા હતા. આંધ્ર પ્રદેશ-છત્તીસગઢ-ઓડિશા સરહદ પર માઓવાદી ગતિવિધિઓ વિશે માહિતી મળ્યા બાદ સુરક્ષા દળોએ ઑપરેશન શરૂ કર્યું હતું. માધવી હિડમા CPI (માઓવાદી) પીપલ્સ લિબરેશન ગેરીલા આર્મી (PLGA) બટૅલ્યન નંબર વનનો કમાન્ડર હતો અને દંડકારણ્ય સ્પેશ્યલ ઝોનલ કમિટીનું નેતૃત્વ પણ કરતો હતો. સુરક્ષા દળો માટે આ એક મોટી સફળતા છે.
આ વિશે માહિતી આપતાં પોલીસે જણાવ્યું હતું કે છત્તીસગઢ, તેલંગણ અને આંધ્ર પ્રદેશના ત્રિ-જંક્શન નજીકનાં ગાઢ જંગલોમાં આ એન્કાઉન્ટર થયું હતું જેમાં ઍન્ટિ નક્સલી ગ્રેહાઉન્ડ્સ અને CRPF કોબ્રા યુનિટ્સ દ્વારા સંયુક્ત ઑપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
ADVERTISEMENT
માધવી હિડમાની પત્નીઓ પણ ઠાર
હિડમાની બે પત્નીઓ માડવી હેમા અને રાજે ઉર્ફે રાજક્કા બન્ને આ એન્કાઉન્ટરમાં ઠાર થઈ હતી. એ સિવાય તેના ચાર અન્ય વરિષ્ઠ કાર્યકરો પણ માર્યા ગયા હતા.
માડવી હિડમા કોણ હતો?
માડવી હિડમાને હિડમલ્લુ અને સંતોષ તરીકે પણ ઓળખવામાં આવે છે. ૧૯૮૧માં જન્મેલો માડવી ૧૯૯૬માં માઓવાદી ચળવળમાં જોડાયો હતો. તે છત્તીસગઢના દક્ષિણ સુકમાના પૂર્વવર્તી ગામનો વતની હતો અને મુરિયા જાતિનો હતો. લગભગ ૪૫ વર્ષના માડવી હિડમા પર કુલ ૧ કરોડ રૂપિયાથી વધુનું ઇનામ હતું. કેન્દ્ર સરકારે ૪૫ લાખ રૂપિયાનું ઇનામ જાહેર કર્યું હતું, છત્તીસગઢે ૨૫ લાખ રૂપિયાનું ઇનામ જાહેર કર્યું હતું અને અન્ય રાજ્યોએ પણ ઇનામની જાહેરાત કરી હતી. હિડમાએ માઓવાદી વિચારધારા ફેલાવવા માટે ઘણા વિસ્તારોમાં ક્રાન્તિકારી સ્કૂલોની સ્થાપના પણ કરી હતી.
૨૬ મોટા હુમલાનો માસ્ટરમાઇન્ડ
લગભગ ત્રણ દાયકા લાંબી નક્સલી કારકિર્દીમાં હિડમાએ ૨૬થી વધુ મોટા હુમલા કર્યા હતા, જેમાં ૧૫૦થી વધુ સૈનિકો અને નાગરિકોએ જીવ ગુમાવ્યા હતા. તે ૨૦૧૦ના દાંતેવાડા હુમલા (તાડમેટલા હત્યાકાંડ, ૭૬ CRPFના જવાનો શહીદ), ૨૦૧૩ના ઝીરામ ખીણ હત્યાકાંડ (૨૭ લોકોનાં મૃત્યુ) અને ૨૦૨૧ના સુકમા-બીજાપુર હુમલા પાછળનો માસ્ટરમાઇન્ડ હતો. ૨૦૨૧ના સુકમા હુમલામાં ૨૨ સુરક્ષા-કર્મચારીઓએ જીવ ગુમાવ્યા હતા.
ડેડલાઇનના ૧૨ દિવસ પહેલાં જ થયો ખાતમો
ગૃહપ્રધાન અમિત શાહે માડવી હિડમાને ખતમ કરવા માટે સુરક્ષા દળોને ૩૦ નવેમ્બરની ડેડલાઇન આપી હતી. ત્યાર બાદ આંધ્ર પ્રદેશ, છત્તીસગઢ અને તેલંગણની સરહદ પર આવેલા મારેડુમિલીનાં ગાઢ જંગલોમાં સર્ચ ઑપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. ડેડલાઇનના ૧૨ દિવસ પહેલાં જ થયેલા ઑપરેશનમાં હિડમા ઠાર થયો હતો.


