અનેક મહત્ત્વપૂર્ણ ચુકાદાઓમાં તેમની ભૂમિકા અગ્રણી રહી
જસ્ટિસ સૂર્યકાન્ત
જસ્ટિસ સૂર્યકાન્ત આજે ભારતના ૫૩મા ચીફ જસ્ટિસ તરીકે શપથ લેવાના છે. તેઓ કલમ 370 અને પેગસસ કેસ સહિત અનેક મોટા કેસોમાં સામેલ રહ્યા છે. ચીફ જસ્ટિસ તરીકે તેમનો કાર્યકાળ આશરે ૧૫ મહિનાનો રહેશે અને તેઓ ૨૦૨૭ની ૯ ફેબ્રુઆરીએ ૬૫ વર્ષની ઉંમરે નિવૃત્ત થશે. તેમની લાંબી ન્યાયિક સફર દરમિયાન જસ્ટિસ સૂર્યકાન્તે ન્યાય, પ્રામાણિકતા અને બંધારણીય સંવેદનશીલતા માટે પ્રતિષ્ઠા બનાવી છે.
અનેક ઐતિહાસિક કેસોમાં સામેલ
ADVERTISEMENT
સુપ્રીમ કોર્ટમાં જોડાયા પછી જસ્ટિસ સૂર્યકાન્ત અનેક ઐતિહાસિક કેસોમાં સામેલ રહ્યા છે. તેઓ જમ્મુ અને કાશ્મીરના વિશેષ દરજ્જાને રદ કરવાના નિર્ણય પર ઐતિહાસિક આદેશ આપનાર બેન્ચનો ભાગ હતા. તેમણે પેગસસ સ્પાયવેર તપાસ અને નાગરિકતા અને અભિવ્યક્તિની સ્વતંત્રતા સાથે સંકળાયેલા અનેક કેસોમાં પણ મુખ્ય ભૂમિકા ભજવી છે. પેગસસ સ્પાયવેર કેસમાં તેઓ ગેરકાયદેસર સર્વેલન્સના આરોપોની તપાસ કરવા માટે સાઇબર નિષ્ણાતોની પૅનલની નિમણૂક કરીને સ્વતંત્ર તપાસનો આદેશ આપતી બેન્ચનો ભાગ હતા. કાર્યવાહી દરમિયાન તેમણે અવલોકન કર્યું કે રાજ્યને રાષ્ટ્રીય સુરક્ષાની આડમાં મુક્ત મંજૂરી મળી શકતી નથી.
૨૦૨૨માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પંજાબ મુલાકાત વખતે સુરક્ષા-વ્યવસ્થામાં જે ખામી સર્જાઈ હતી એ કેસની તપાસ માટે ભૂતપૂર્વ જજ ઇન્દુ મલ્હોત્રાની અધ્યક્ષતા હેઠળ રચાયેલી બેન્ચમાં તેઓ હતા અને તેમણે કહ્યું હતું કે આવા કેસમાં જુડિશ્યલી ટ્રેઇન્ડ દિમાગની જરૂરત હોય છે.
તેઓ તાજેતરના રાષ્ટ્રપતિ-સંદર્ભનો પણ ભાગ હતા જેમાં રાજ્ય વિધાનસભા દ્વારા પસાર કરાયેલાં બિલો પર રાજ્યપાલ અને રાષ્ટ્રપતિના અધિકારક્ષેત્રને સ્પષ્ટ કરવામાં આવ્યું હતું. તેમણે બ્રિટિશકાલીન દેશદ્રોહના કાયદાને પણ રોકી દીધો હતો અને આદેશ આપ્યો હતો કે સરકાર આ કાયદાને રિવ્યુ ન કરે ત્યાં સુધી એની નીચે કોઈ ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) નોંધવામાં આવે નહીં.
મહિલાઓ માટે અનામત
તેમણે બિહારમાં ખાસ સુધારેલી મતદાર યાદીની કવાયત દરમિયાન ૬૫ લાખ મતદારોને બાકાત રાખવા વિશે ચૂંટણી પંચને વિગતવાર માહિતી આપવાનો આદેશ આપ્યો હતો. જસ્ટિસ સૂર્યકાંતે બાર અસોસિએશનોમાં એક-તૃતીયાંશ બેઠકો મહિલાઓ માટે અનામત રાખવાનો પણ નિર્દેશ આપ્યો હતો. તેમણે તાજેતરમાં એક મહિલા સરપંચને પુનઃસ્થાપિત કરવાનો આદેશ પણ આપ્યો હતો જેમને ખોટી રીતે તેમના પદ પરથી દૂર કરવામાં આવ્યાં હતાં.
જસ્ટિસ સૂર્યકાન્ત કોણ છે?
જસ્ટિસ સૂર્યકાન્તનો જન્મ ૧૦ ફેબ્રુઆરી, ૧૯૬૨ના રોજ હરિયાણાના હિસાર જિલ્લામાં એક મધ્યમ વર્ગના પરિવારમાં થયો હતો. તેમણે ૨૦૧૧માં કુરુક્ષેત્ર યુનિવર્સિટીમાંથી કાયદામાં માસ્ટર ડિગ્રી મેળવી હતી જેમાં તેમણે ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ મેળવ્યો હતો. તેમની કારકિર્દી દરમિયાન તેમણે પંજાબ અને હરિયાણા હાઈ કોર્ટમાં અનેક મહત્ત્વપૂર્ણ ચુકાદાઓ લખ્યા હતા. ત્યાર બાદ ૫ ઓક્ટોબર, ૨૦૧૮ના તેમને હિમાચલ પ્રદેશ હાઈ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.


