મધ્ય પ્રદેશના માલવા જિલ્લાની મતદારયાદીમાં છે અનોખાં નામો
પ્રતીકાત્મક તસવીર
SIR કરતા અધિકારીઓના કહેવા મુજબ આ કોઈ નકલી મતદાતાઓ નથી, પણ આ બે મતદાન કેન્દ્રોમાં મોટા ભાગના લોકોનાં નામ ફિલ્મી પોસ્ટર, હીરો-હિરોઇન, ડ્રાયફ્રૂટ કે ટૂરિઝમના બ્રોશર જેવાં છે
મધ્ય પ્રદેશના માલવા જિલ્લામાં સ્પેશ્યલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયા દરમ્યાન કર્મચારીઓને અચરજ થાય એવાં નામો જોવા મળ્યાં છે. બે મતદાન કેન્દ્રો ૯૩ અને ૯૪માં પારધી કમ્યુનિટીના મતદાતાઓનાં નામ છે કાજુ સિંહ, બાદામ, પિસ્તા, શેરનીબાઈ, ટીવી, ઍન્ટેના, ધર્મેન્દ્ર, રાજેશ ખન્ના, દિલીપ કુમાર, હેમામાલિની. આ બધા જ મતદાતાઓ સાચા છે એવું જણાવતાં SIR પ્રક્રિયામાં સંકળાયેલા અધિકારીઓએ કહ્યું હતું કે માલવા જિલ્લાનાં ૯૩-૯૪ મતદાન કેન્દ્રોના મતદાતાઓનાં નામ હીરો-હિરોઇન, ડ્રાયફ્રૂટ્સ, ટૂરિઝમ બ્રોશર જેવાં છે.
ADVERTISEMENT
આ અનોખી મતદાર યાદી પારધી કમ્યુનિટીની જીવનશૈલીથી જોડાયેલી છે. પેઢીઓથી આ સમાજ હરતા-ફરતા સમુદાયની જેમ જીવે છે. આ સમુદાયના લોકો ચાલતા-ફરતા તેમની સામે જે દેખાય એ અવનવી ચીજો પરથી પોતાનાં બાળકોનું નામ રાખી દેતા આવ્યા છે. તેમના જન્મ સમયે જે ચીજો આસપાસ દેખાય, કોઈ તંબુમાં સિનેમા ચાલી રહ્યું હોય કે જ્યાં તેઓ ફરી રહ્યા હોય એ શહેર હોય એના પરથી સંતાનોનાં નામ રાખી લે છે. ક્યારેક કોઈ પ્રાણી પર પણ નામ પાડી દે છે. ૨૦૦૬થી આ વિસ્તારમાં બૂથ લેવલ ઑફિસર તરીકે કામ કરતા સંતોષ જાયસવાલ કહે છે, ‘અહીં તમને શરૂમાં નામ અજીબ લાગી શકે, પણ હવે તો અમે લોકોને આ જ નામે ઓળખી જઈએ છીએ. અહીં તમને માધુરી દીક્ષિત અને જિતેન્દ્ર જેવા સુપરસ્ટારથી લઈને પ્યાજબાઈ, કાજુ સિંહ જેવાં નામો પણ મળી જશે. હવે અમને આ નામોમાં કંઈ નવીન નથી લાગતું. એક ભાઈનું તો નામ જ છે દેશપ્રેમી. અહીં સોલ્જર, પરદેશી જેવાં નામો પણ બહુ સામાન્ય છે.’


