ત્રિપુરાના ૨૪ વર્ષના યુવાનની દેહરાદૂનમાં જાતિવાદી હુમલામાં હત્યા, જીવ ગુમાવનારો યુવાન છેલ્લે સુધી કહેતો રહ્યો હું ભારતીય છું, ‘અમે ચાઇનીઝ નહીં, ભારતીય છીએ. એ સાબિત કરવા અમારે કયું સર્ટિફિકેટ બતાવવું પડશે?’ એ જવાબથી ઉશ્કેરાયેલા હુમલાખોરે ચાકૂ હુલાવી દ
જીવ ગુમાવનારો યુવાન છેલ્લે સુધી કહેતો રહ્યો હું ભારતીય છું
‘અમે ચાઇનીઝ નહીં, ભારતીય છીએ. એ સાબિત કરવા અમારે કયું સર્ટિફિકેટ બતાવવું પડશે?’ એ જવાબથી ઉશ્કેરાયેલા હુમલાખોરે ચાકૂ હુલાવી દીધું હતુંઃ ઉત્તરાખંડના મુખ્ય પ્રધાન પુષ્કર સિંહ ધામીએ કહ્યું, ગુનેગારોને બક્ષવામાં નહીં આવે
ઉત્તરાખંડના દેહરાદૂનમાં ૯ ડિસેમ્બરે જાતિવાદી હુમલામાં છરીના ઘા વાગતાં ઘાયલ થયેલા ત્રિપુરાના ૨૪ વર્ષના માસ્ટર ઇન બિઝનેસ ઍડ્મિનિસ્ટ્રેશન (MBA)ના સ્ટુડન્ટ અંજેલ ચકમાએ ૧૪ દિવસથી વધુ સમય સુધી જીવન-મરણ વચ્ચે ઝઝૂમ્યા બાદ શુક્રવારે છેલ્લા શ્વાસ લીધા હતા. અંજેલ અને તેનો નાનો ભાઈ માઇકલ ૯ ડિસેમ્બરે શહેરના સેલાકી વિસ્તારમાં ખરીદી કરવા ગયા હતા ત્યારે કેટલાક લોકોએ તેમને રોક્યા હતા અને જાતિવાદી કમેન્ટ કરી હતી. ઘટનાસ્થળે હાજર રહેલા લોકોએ જણાવ્યું હતું કે આ લોકોએ ચકમાભાઈઓને ચાઇનીઝ કહ્યા હતા.
આ મુદ્દે અંજેલના મિત્રોએ કહ્યું હતું કે અંજેલે તેના પર કરવામાં આવેલી કમેન્ટનો શાંતિથી જવાબ આપ્યો હતો અને કહ્યું હતું કે અમે ચાઇનીઝ નથી, અમે ભારતીય છીએ. એ સાબિત કરવા માટે અમારે કયું સર્ટિફિકેટ બતાવવું જોઈએ? જોકે તેણે જે જવાબ આપ્યો એનાથી પરિસ્થિતિ વણસી હતી અને હુમલાખોરોએ બેઉ ભાઈઓ પર છરીથી હુમલો કર્યો હતો. અંજેલને ગળા અને કરોડરજ્જુમાં ગંભીર ઈજા થઈ હતી. માઇકલ ઘાયલ થયો હતો અને તેની હાલત પણ ગંભીર છે. અંજેલના નજીકના મિત્રએ કહ્યું હતું કે તે હિંસાથી ચોંકી ગયો હતો. તે શાંત અને મૈત્રીપૂર્ણ હતો. અમારામાંથી કોઈ પણ એવું માની શકતું નથી કે આવું થયું છે.
અંજેલનો મૃતદેહ શનિવારે અગરતલા લઈ જવાયો હતો. તેના મૃત્યુથી ત્રિપુરા અને અન્ય નૉર્થ ઈસ્ટનાં રાજ્યોમાં ગુસ્સો અને શોક ફેલાયા છે. અંજેલ ચકમાની હત્યાને ઉત્તરાખંડ સરકારે ખૂબ ગંભીરતાથી લીધી છે. મુખ્ય પ્રધાન પુષ્કર સિંહ ધામીએ કહ્યું હતું કે ‘રાજ્યમાં આવી ઘટનાઓ સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે અને અસામાજિક તત્ત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. ગુનામાં સામેલ લોકોને બક્ષવામાં નહીં આવે.’
ADVERTISEMENT
પાંચની ધરપકડ, બે સગીર
આ કેસમાં અત્યાર સુધીમાં પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને એમાંથી બે સગીર છે તેમને બાળ સુધાર ગૃહમાં મોકલવામાં આવ્યા છે. મુખ્ય ફરાર આરોપી યજ્ઞ અવસ્થીને પકડવા માટે પોલીસ દરોડા પાડી રહી છે. તેના પર ૨૫,૦૦૦ રૂપિયાનું ઇનામ જાહેર કરવામાં આવ્યું છે. શંકાસ્પદ વ્યક્તિને શોધવા માટે એક પોલીસ-ટીમ નેપાલ મોકલવામાં આવી છે.


