માછલી અને માંસની દુકાનો આજથી રામનવમી સુધી બંધ રાખવાનો આદેશ
પ્રતીકાત્મક તસવીર
આજથી શરૂ થઈ રહેલી ચૈત્રી નવરાત્રિ પહેલાં વારાણસી નગર નિગમે એક મોટો નિર્ણય લઈને ૩૦ માર્ચથી ૬ એપ્રિલ સુધીના સમયગાળામાં માંસ, માછલી અને મરઘી જેવા પદાર્થોનાં વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દીધો છે અને આ નિયમનું સખતાઈપૂર્વક પાલન કરવામાં આવશે. આવો સામાન વેચતી તમામ દુકાનો નવરાત્રિમાં બંધ રહેશે.
આ નિર્ણય મુજબ વારાણસી નગર નિગમ ક્ષેત્રમાં તમામ માંસ, મરઘી અને માછલી વેચતી દુકાનો સંપૂર્ણપણે બંધ રહેશે. જે વિસ્તારમાં માતાજીનાં મંદિર છે એ વિસ્તારોમાં વિશેષ સાફસફાઈનો આદેશ આપવામાં આવ્યો છે. આ પહેલાં વારાણસી નગર નિગમે જાન્યુઆરીમાં કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરના બે કિલોમીટરના પરિસરમાં માંસ-માછલીનાં વેચાણ પર પ્રતિબંધ લગાવી દીધો હતો.

