હૈદરાબાદના આઉટર રિંગ રોડ પર હાઈ-સ્પીડ ઇલેક્ટ્રિક કાર ચલાવવાનો વિડિયો વાઇરલ થયો, પોલીસે કાર જપ્ત કરીને પિતા-પુત્રની અટકાયત કરી
પોલીસ દ્વારા સગીર અને તેના પિતાની અટકાયત કરવામાં આવી હતી.
હૈદરાબાદના હાઈ-સ્પીડ આઉટર રિંગ રોડ પર એક સગીર બાળક દ્વારા વૈભવી ઇલેક્ટ્રિક સ્પોર્ટ્સ કાર ચલાવવાનો ચોંકાવનારો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયા બાદ પોલીસે બાળકના પિતા વિરુદ્ધ ગંભીર ગુનો નોંધ્યો છે. પોલીસે આ મામલે ત્વરિત કાર્યવાહી કરીને આશરે ૭૫ લાખ રૂપિયાની ભારતની પ્રથમ ઑલ-ઇલેક્ટ્રિક રોડસ્ટર કાર મૉરિસ ગૅરેજિસ સાઇબરસ્ટર (Morris Garages Cyberster) જપ્ત કરી લીધી છે. સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ ઇન્સ્ટાગ્રામ પર એક પેજ દ્વારા શૅર કરાયેલા આ વિડિયોમાં દાવો કરવામાં આવ્યો હતો કે કાર ચલાવનાર બાળકની ઉંમર ૧૨ વર્ષથી પણ ઓછી છે અને એમાં વાહનનો અસ્થાયી રજિસ્ટ્રેશન-નંબર TG09AP3320 પણ સ્પષ્ટ દેખાતો હતો.
રાજેન્દ્રનગર ટ્રાફિક-પોલીસે જણાવ્યું હતું કે ‘સોશ્યલ મીડિયા પર ફરિયાદ મળતાં જ પોલીસ ઍક્શનમાં આવી હતી અને વાહનના આધારે સગીર તથા તેના પિતાને શોધી કાઢ્યા હતા. બન્નેની અટકાયત કરીને આગળની કાયદેસરની કાર્યવાહી માટે લૉ ઍન્ડ ઑર્ડર પોલીસ-સ્ટેશનને સોંપવામાં આવ્યા છે. પોલીસે પિતા સામે સગીરને વાહન આપવા, જોખમી ડ્રાઇવિંગ કરવા અને પોલીસના આદેશોનું ઉલ્લંઘન કરવા બદલ કેસ નોંધ્યો છે. આ હાઈ-પર્ફોર્મન્સ કાર માત્ર ૩.૨ સેકન્ડમાં ૦થી ૧૦૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ પકડી શકે છે એટલે આટલા પાવરફુલ વાહનને અણસમજુ બાળકના હાથમાં આપવું અત્યંત જીવલેણ સાબિત થઈ શક્યું હોત.’
