પોતાની ફૅન ક્લબના નામે રાજકીય પાર્ટી શરૂ કરનારાં માતા-પિતા સામે કોર્ટમાં ગયો હતો વિજય, જોકે પછી તેનું મન બદલાયું હતું
વિજય
તામિલનાડુ વિધાનસભાની ચૂંટણીમાં વિજયની તમિલગા વેત્રી કઝગમ (TVK) પાર્ટીએ અપેક્ષાઓ કરતાં ઘણું સારું પ્રદર્શન કર્યું છે, પણ એક સમય એવો હતો જ્યારે વિજય રાજકારણમાં આવવા માગતો નહોતો. વિજયે એક વખત તેનાં માતા-પિતા પર રાજકારણમાં આવવા માટે દબાણ કરવા બદલ કેસ કર્યો હતો, પણ પછી તેનું મન બદલાયું હતું.
વિજયના પિતા એસ. એ. ચંદ્રશેખરે ૨૦૨૦માં વિજય મક્કલ ઇયક્કમ (VMI) નામની દીકરાની ફૅન ક્લબને રાજકીય પાર્ટી તરીકે રજિસ્ટર કરવાની કોશિશ કરી હતી. ચંદ્રશેખર પાર્ટીના જનરલ સેક્રેટરી બન્યા હતા, જ્યારે તેમની પત્ની અને વિજયનાં માતા શોભા ચંદ્રશેખર ખજાનચી બન્યાં હતાં. જોકે તેમણે આ મુદ્દે તેમના પુત્ર વિજયની સલાહ લીધી નહોતી.
ADVERTISEMENT
પોતાને પૂછ્યા વિના માતા-પિતાએ રાજકીય સંગઠન શરૂ કરતાં સપ્ટેમ્બર ૨૦૨૧માં વિજયે તેનાં માતા-પિતા સહિત ૧૧ લોકો સામે કેસ દાખલ કર્યો હતો. આ કેસને કારણે વિજયનાં માતા-પિતા રાજકીય પ્રવૃત્તિઓ માટે વિજયનું નામ, ફોટોગ્રાફ્સ અથવા તેની ફૅન ક્લબના નામનો ઉપયોગ કરી શકતાં નહોતાં. વિજયે ઔપચારિક રીતે કહ્યું હતું કે મારા પિતા દ્વારા શરૂ કરાયેલી પાર્ટી સાથે મારો કોઈ સીધો કે પરોક્ષ સંબંધ નથી.
જોકે ફેબ્રુઆરી ૨૦૨૪માં વિજયે તેના પિતાની ઇચ્છા મુજબ સત્તાવાર રીતે TVK શરૂ કરી હતી અને એ વર્ષના સપ્ટેમ્બરમાં ચૂંટણીપંચમાં પાર્ટી રજિસ્ટર કરી હતી.
