Waqf Amendment Act: ૧,૩૩૨ પાનાના સોગંદનામામાં, કેન્દ્ર સરકારે વક્ફ સુધારા અધિનિયમ પર સ્ટેનો વિરોધ કર્યો અને કહ્યું કે કાયદા અનુસાર કોઈ પણ અદાલત વૈધાનિક અધિનિયમની જોગવાઈ પર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સ્ટે નથી આપી શકતું.
સુપ્રીમ કોર્ટ (ફાઇલ તસવીર)
૧,૩૩૨ પાનાના સોગંદનામામાં, કેન્દ્ર સરકારે વક્ફ સુધારા અધિનિયમ પર સ્ટેનો વિરોધ કર્યો અને કહ્યું કે કાયદા અનુસાર કોઈ પણ અદાલત વૈધાનિક અધિનિયમની જોગવાઈ પર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સ્ટે આપી શકતું નથી.
કેન્દ્ર સરકારે શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં એક સોગંદનામું દાખલ કર્યું છે. આ સોગંદનામું વક્ફ સુધારા અધિનિયમ, 2025ને પડકારતી અરજીઓને ફગાવી દેવા દાખલ કરવામાં આવ્યું. સરકારનું કહેવું છે કે કાયદાની સમીક્ષા કરવી કોર્ટનો હક છે, પણ તે માત્ર નિશ્ચિત આધાર કે કાયદા અનુસાર જ થઈ શકે છે. જેમ કે કાયદા બનાવવા માટે સંસદ પાસે અધિકાર છે કે નહીં કે પછી કાયદા બનાવવાની સત્તા કોની પાસે છે અને શું તે કાયદો કોઈ વ્યક્તિના મૂળભૂત હકનું ઉલ્લંઘન કરે છે.
ADVERTISEMENT
ધાર્મિક સ્વતંત્રતા છીનવાઈ ગઈ એ એક ખોટી ધારણા છે: કેન્દ્ર
સરકારે જણાવ્યું કે અરજીઓ એવી ખોટી ધારણા પર આધારિત છે કે આ સુધારા લોકોની ધાર્મિક સ્વતંત્રતા છીનવી લે છે. સરકારે કોર્ટને વિનંતી કરી છે કે તે આ મુદ્દા પર અંતિમ નિર્ણય આપે અને વિનંતી કરી છે કે કોર્ટ આ કાયદાની અમલીકરણ પર કોઈ પ્રકારની રોક ન લગાવે.
વક્ફ સંપત્તિઓનો દુરુપયોગ થયો છે: સરકારનો દાવો
કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને કહ્યું કે વક્ફ અધિનિયમમાં જે સુધારા લાવવામાં આવ્યા છે, તે સંસદીય સમિતિ દ્વારા થયેલા અધ્યયન બાદ કરવામાં આવ્યા છે. સરકારનું કહેવું છે કે વક્ફ સંપત્તિઓનો દુરુપયોગ કરીને ખાનગી અને સરકારી જમીનો પર અતિક્રમણ કરવામાં આવ્યું છે. સરકારે વક્ફ કુલ મિલકતનો આંકડો પણ રજૂ કર્યો છે, જેમાં જણાવાયું કે મુઘલ યુગ, આઝાદી પહેલા અને આઝાદી પછી કુલ 18,29,163.896 એકર વક્ફ જમીન નોંધાઈ હતી. ચોંકાવનારી વાત એ છે કે 2013 પછી વક્ફ જમીનમાં 20,92,072.536 એકરની વધારાની નોંધણી થઈ છે. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને એમ પણ કહ્યું કે વૈધાનિક કાયદામાં ફેરફાર કરવો યોગ્ય નથી.
કાયદા પર રોક લગાવવી યોગ્ય નથી: કેન્દ્ર
સોગંદનામામાં સરકારે સ્પષ્ટ કહ્યું છે કે સંસદે પોતાના અધિકારક્ષેત્રમાં રહીને આ કાયદો બનાવ્યો છે, જેથી વક્ફ જેવી ધાર્મિક ટ્રસ્ટોનું યોગ્ય રીતે સંચાલન થઈ શકે. સરકારનું કહેવું છે કે કાયદો લાગુ કરવામાં અવરોધ ઊભો કરવો યોગ્ય નથી, કારણ કે કાયદાની માન્યતા સામે કોઈ મજબૂત શંકા કે પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા નથી.
ધાર્મિક સ્વતંત્રતા છીનવી લેવાની કલ્પના ખોટી છે
સરકારે વધુમાં જણાવ્યું હતું કે વક્ફ કાયદાની માન્યતાને પડકારવાના અરજદારોના પ્રયાસો ન્યાયિક સમીક્ષા (Judicial Review)ના મૂળભૂત સિદ્ધાંતોની વિરુદ્ધ છે. સરકારે કહ્યું કે કોર્ટે ફક્ત મૂળભૂત અધિકારોનો ઉલ્લંઘન થતો હોય તો જ કોઈપણ કાયદાની સમીક્ષા કરવી જોઈએ. સરકારે એમ પણ કહ્યું કે અરજીઓ એવી ગેરસમજ પર આધારિત છે કે વક્ફ સુધારા અધિનિયમ મુસલમાનોના ધાર્મિક સ્વતંત્રતાના મૂળભૂત અધિકારને છીનવી લે છે.

