આ ફાર્મમાંથી એકાદ દુર્લભ અજગર છટકીને બહાર નીકળી ગયો હતો અને એ બિલ્ડિંગમાં જોવા મળ્યો હતો. એ જોઈને બિલ્ડિંગમાં જ રહેતા એક વડીલે ફરિયાદ કરી હતી
ઑફિસરોએ ઘરમાં છાપો માર્યો ત્યારે અંદરનો જે નજારો જોયો એ દંગ રહી જવાય એવો હતો
ચીનના તાઇઝોઉ શહેરમાં એક બૅચલર વ્યક્તિએ ફ્લૅટ ભાડે રાખ્યો હતો. સામાન્ય રીતે બૅચલર્સનું ઘર રમણભમણ પડેલું હોય અને ચીજો જ્યાં-ત્યાં વિખેરાયેલી પડી હોય. જોકે આ ભાઈને ત્યાં વિખેરાયેલી ચીજો એવી હતી કે જોતાં જ ભલભલા લોકો ચીસ પાડી ઊઠે. ભાડાના ફ્લૅટમાં આ ભાઈએ સ્નેક માટેનું બ્રીડિંગ ફાર્મ બનાવ્યું હતું. આ ફાર્મમાંથી એકાદ દુર્લભ અજગર છટકીને બહાર નીકળી ગયો હતો અને એ બિલ્ડિંગમાં જોવા મળ્યો હતો. એ જોઈને બિલ્ડિંગમાં જ રહેતા એક વડીલે ફરિયાદ કરી હતી. તેમને શંકા હતી કે આ અજગર એમ જ નથી આવ્યો, કોઈક એને લાવ્યું છે. આ અજગર ગરમ અને હૂંફાળા વિસ્તારોમાં જ ઊછરી શકે છે. આ ફરિયાદ પર પોલીસ કામ કરી રહી હતી ત્યારે તેમના ધ્યાનમાં આવ્યું કે આ જ બિલ્ડિંગમાં એક ફ્લૅટનું લાઇટબિલ ખૂબ ઊંચું આવે છે. અજગરો આરામથી રહી શકે એ માટે પેલા ભાઈ સતત હાઈ પાવર હીટર ચાલુ રાખતા હતા. એને કારણે તેનું લાઇટ-બિલ ખૂબ ઊંચું આવતું હતું. નાનકડા ફ્લૅટમાં આટલુંબધું બિલ કેમ આવે છે એની તપાસ કરવા માટે ઇલેક્ટ્રિસિટી વિભાગના લોકોને તપાસ કરવાનું કહેવામાં આવ્યું અને એમાં ભાંડો ફૂટ્યો. ઑફિસરોએ ઘરમાં છાપો માર્યો ત્યારે અંદરનો જે નજારો જોયો એ દંગ રહી જવાય એવો હતો. ઘરમાં ઠેર-ઠેર બાસ્કેટની અંદર ૩૦૦થી વધુ અજગરો ગૂંચળું વાળીને પડેલા હતા. એ તપાસમાં સ્પષ્ટ થઈ ગયું કે આ વિસ્તારમાં જોવા મળેલા દુર્લભ અજગરો અહીંથી જ પેદા થયા હોવા જોઈએ.
