કૃતિકાના શરીરમાં ઍનેસ્થેસિયાના અંશો મળ્યા હતા જેને કારણે પોલીસને આ મૃત્યુ નૈસર્ગિક નહીં પણ હત્યા હોવાની શંકા જાગી હતી.
૩૨ વર્ષના જનરલ સર્જ્યન ડૉ. મહેન્દ્ર રેડ્ડી અને તેની પત્ની
બૅન્ગલોરની વિક્ટોરિયા હૉસ્પિટલમાં ૩૨ વર્ષના જનરલ સર્જ્યન ડૉ. મહેન્દ્ર રેડ્ડીએ પોતાના મેડિકલ જ્ઞાનથી લોકોના જીવ તો બચાવ્યા જ હતા, પરંતુ એનો મિસયુઝ કરીને પોતાની જ પત્નીને મોતને ઘાટ પણ ઉતારી દીધી. નવાઈની વાત એ હતી કે પત્નીના મૃત્યુના છ મહિના સુધી લોકો એવું જ માનતા રહ્યા કે ડૉ. મહેન્દ્રની પત્ની ડૉ. કૃતિકાનું મૃત્યુ કુદરતી હતું. છ મહિનાની સઘન તપાસ બાદ પોલીસને ખબર પડી હતી કે પત્નીને મારવાનું સુનિયોજિત કાવતરું ખુદ તેના પતિએ કર્યું હતું. ડૉ. કૃતિકા ડર્મેટોલૉજિસ્ટ હતી અને તેમનાં લગ્ન ૨૦૨૪માં મે મહિનામાં થયાં હતાં. લગ્નના ૧૧ મહિના પછી માત્ર ૨૮ વર્ષની વયે ડૉ. કૃતિકાનું મૃત્યુ થયું હતું. પોલીસની તપાસમાં ખબર પડી હતી કે ડૉક્ટર મહેન્દ્રએ પત્નીને પેટમાં દુખતું હતું ત્યારે ઇન્જેક્શન આપ્યું હતું. એ પછી તેણે પત્નીને પિયર મોકલી હતી અને કહ્યું હતું કે તેને આરામની જરૂર છે. ૨૩ એપ્રિલે તે ફરીથી પોતાના સાસરે ગયો હતો અને ત્યાં એક વધુ ઇન્જેક્શન લગાવ્યું હતું. બીજા દિવસે સવારે કૃતિકા ઊંઘમાં જ મૃત્યુ પામેલી જોવા મળી હતી. ડૉક્ટર હોવા છતાં મહેન્દ્રએ પત્નીને CPR આપવાનો પ્રયાસ કર્યો નહીં અને તેને હૉસ્પિટલમાં લઈ ગયો હતો જ્યાં ડૉક્ટરોએ તેને મૃત ઘોષિત કરી હતી. પોસ્ટમૉર્ટમ કરવામાં આવ્યું ત્યારે કૃતિકાના શરીરમાં ઍનેસ્થેસિયાના અંશો મળ્યા હતા જેને કારણે પોલીસને આ મૃત્યુ નૈસર્ગિક નહીં પણ હત્યા હોવાની શંકા જાગી હતી.

