ઘરમાં બે વ્યક્તિ રહે છે, તેઓ મહિને ૧,૬૫,૦૦૦ લીટર પાણી વાપરે છે એમ કહીને મકાનમાલિકે થમાવ્યું ૧૫,૮૦૦ રૂપિયાનું બિલ
સોશ્યલ મીડિયા પર બિલની તસવીર પોસ્ટ કરીને એક વ્યક્તિએ પોતાના મકાનમાલિક તરફથી થતી હેરાનગતિનો ચિતાર આપ્યો
બૅન્ગલોરમાં માત્ર ટ્રાફિક અને વધુ ભાડાની જ સમસ્યા નથી. ભાડે રહેતા લોકોની મકાનમાલિક દ્વારા હેરાનગતિ પણ ખૂબ થાય છે. સોશ્યલ મીડિયા પર બિલની તસવીર પોસ્ટ કરીને એક વ્યક્તિએ પોતાના મકાનમાલિક તરફથી થતી હેરાનગતિનો ચિતાર આપ્યો છે. તેને મકાનમાલિક પાસેથી પાણીનું જે બિલ મળ્યું છે એ અધધધ છે. ભાડૂતે પોસ્ટમાં લખ્યું છે, ‘મારો મકાનમાલિક મારા પર બૅન્ગલોર વૉટર સર્વિસ અને સિવરેજ બોર્ડના પાણીના બિલનો બહુ મોટો બોજ મારા પર નાખે છે.’ ૧,૬૫,૦૦૦ લીટર પાણીના વપરાશ માટે ૧૫,૮૦૦ રૂપિયાનું બિલ તેણે પોસ્ટમાં શૅર કર્યું છે. ભાડૂતનું કહેવું છે કે ‘ઘરમાં હું અને મારો સાથી રહીએ છીએ. દિવસનો મોટા ભાગનો સમય અમે વર્કપ્લેસ પર રહીએ છીએ. આટલું પાણી વાપરીએ ક્યારે? સામાન્ય રીતે અમને દર મહિને ૧૦,૦૦૦ લીટર પાણીનું બિલ મળતું હતું. અમે મકાનમાલિક સાથે વાતચીત કરવાની કોશિશ કરી, પણ તે બહાનાં બતાવે છે. એમાંય વીકમાં એક-બે દિવસ તો ઘરમાં પાણી પણ નથી આવતું. એવામાં અમારે શું કરવું?’

