બાવીસ જાન્યુઆરીએ તિજોરીમાં સોનાનાં ઘરેણાં અને થોડીક રોકડ રકમ રાખ્યાં હતાં
પોલીસે તેની પાસેથી ચોરેલા દાગીના પાછા જપ્ત કરી લીધા હતા
મધ્ય પ્રદેશના ભોપાલ પાસે રાજનગર ગામમાં રહેતાં પચાસ વર્ષનાં સંગીતા માલવીયના ઘરમાં ચોરી થઈ હોવાની ફરિયાદ થઈ હતી. તેમણે બાવીસ જાન્યુઆરીએ તિજોરીમાં સોનાનાં ઘરેણાં અને થોડીક રોકડ રકમ રાખ્યાં હતાં. જોકે ૨૫ જાન્યુઆરીએ જ્યારે એ ઘરેણાં લેવા ગયાં ત્યારે એ ગાયબ હતાં. ૨૦,૦૦૦ રૂપિયાની રોકડ પણ ત્યાં નહોતી. સંગીતાબહેને પોલીસમાં ફરિયાદ નોંધાવી. પોલીસે આવીને તપાસ કરી તો ખબર પડી કે તિજોરીનું તાળું તોડ્યા વિના જ કોઈકે હાથસાફ કર્યો છે. આ દિવસો દરમ્યાન તેમના ઘરે કોણ આવ્યું અને ગયું એની કડક નોંધ બનાવ્યા પછી ખબર પડી કે તેમનો દોહિત્ર ઇન્દોરથી ભોપાલ એક રમતગમત પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે આવ્યો હતો. પોલીસે દોહિત્રને અલગથી બોલાવીને કડક ઊલટતપાસ કરતાં તેણે કબૂલી લીધું હતું કે ઘરમાં તિજોરીની ચાવી એમ જ લટકતી જોઈને તેની નીયત ખરાબ થઈ ગઈ અને તેણે એમાંથી દાગીના અને ૨૦,૦૦૦ રૂપિયા સેરવી લીધા હતા. પોલીસે તેની પાસેથી ચોરેલા દાગીના પાછા જપ્ત કરી લીધા હતા. દોહિત્ર હજી પ્રાઇવટ કૉલેજમાં ભણી રહ્યો છે અને અવારનવાર નાનીને ત્યાં આવતો-જતો રહે છે.


