બિહારના સમસ્તીપુરમાં પોલીસે આરોપી પાસેથી ગુનો કબૂલાવવા માટે થઈને એવું અમાનવીય ટૉર્ચર કર્યું કે એ માટે ૩ પોલીસવાળા સસ્પેન્ડ થઈ ગયા. થોડા દિવસ પહેલાં જ્વેલરીની એક દુકાનમાં ચોરી થઈ હતી.
સોનાની ચોરીના આરોપમાં પકડાયેલા યુવકના પ્રાઇવેટ પાર્ટમાં પોલીસે પેટ્રોલ રેડ્યું
બિહારના સમસ્તીપુરમાં પોલીસે આરોપી પાસેથી ગુનો કબૂલાવવા માટે થઈને એવું અમાનવીય ટૉર્ચર કર્યું કે એ માટે ૩ પોલીસવાળા સસ્પેન્ડ થઈ ગયા. થોડા દિવસ પહેલાં જ્વેલરીની એક દુકાનમાં ચોરી થઈ હતી. એ કેસમાં દુકાનકારે તેને ત્યાં કામ કરતા એક કર્મચારીને બોલાવ્યો અને પૂછપરછમાં વિવાદ વધતાં તેની પીટાઈ પણ કરી. સૂચના મળતાં પોલીસ ત્યાં પહોંચી અને દાગીનાની ચોરીના આરોપમાં પેલા કર્મચારી યુવકને પોલીસે પણ માર્યો. યુવક ગુનો કબૂલી લે એ માટે તેને કસ્ટડીમાં લઈ લીધો અને કેટલાય દિવસો સુધી તેના પર ટૉર્ચર કર્યું. જોકે મામલો ત્યારે વણસ્યો જ્યારે યુવકને છોડવા માટે પોલીસે તેના પરિવાર પાસે પૈસા માગ્યા. પરિવારજનોએ પૈસા ખવડાવવાની ના પાડી અને તેમણે એની ફરિયાદ ઉપરીને કરી દીધી. એ પછી યુવકને જ્યારે છોડવો પડ્યો ત્યારે તેણે તેની સાથે થયેલા અમાનવીય અત્યાચારની ફરિયાદ કરી. તેને પકડીને પોલીસ-કસ્ટડીમાં પોલીસે સિરિન્જના માધ્યમથી પેટ્રોલ તેના પ્રાઇવેટ પાર્ટમાંથી અંદર રેડ્યું હતું. આ આરોપ સાચો છે કે કેમ એ જાણવા માટે યુવકની હૉસ્પિટલમાં તપાસ કરવામાં આવી જેમાં યુવકનો દાવો સાચો પુરવાર થયો હતો. ડૉક્ટરના રિપોર્ટના આધારે યુવકને ટૉર્ચર કરનારા ત્રણેય પોલીસોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.


