Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ૫૮૦૦૦ કિલોમીટરનું પગપાળા પૃથ્વીભ્રમણ

૫૮૦૦૦ કિલોમીટરનું પગપાળા પૃથ્વીભ્રમણ

Published : 31 August, 2025 03:13 PM | IST | Washington
Rashmin Shah | rashmin.shah@mid-day.com

૨૬ વર્ષ પહેલાં ચિલીથી નીકળીને આજ સુધીમાં પ૮,૦૦૦ કિલોમીટરથી પણ વધારે અંતર પગપાળા ચાલીને દુનિયા ફરવા નીકળેલા કાર્લ બુશ્બી નામના બ્રિટિશરે બહુ સરળ હેતુસર જબરદસ્ત કઠિન યાત્રા શરૂ કરી હતી.

કાર્લ બુશ્બી

કાર્લ બુશ્બી


૨૬ વર્ષ પહેલાં ચિલીથી નીકળીને આજ સુધીમાં પ૮,૦૦૦ કિલોમીટરથી પણ વધારે અંતર પગપાળા ચાલીને દુનિયા ફરવા નીકળેલા કાર્લ બુશ્બી નામના બ્રિટિશરે બહુ સરળ હેતુસર જબરદસ્ત કઠિન યાત્રા શરૂ કરી હતી. કાર્લને જીવન જીવવા માટે ધ્યેય જોઈતું હતું જે તેણે વાહન વિનાની પોતાની આ પગપાળા યાત્રામાંથી મેળવ્યું. અત્યારે તે મેક્સિકોમાં છે અને ૨૦૨૬ સુધી ચાલીને પોતાના જન્મસ્થાન પર પદયાત્રા પૂરી કરશે. આપણને ૧૦,૦૦૦ ડગલાં ચાલવામાં મોઢામાં ફીણ આવી જતાં હોય છે ત્યારે આ ભગીરથ પદયાત્રા માટે અનુભવાયેલા સંઘર્ષોની થોડી વાતો જાણીએ.

ધારો કે એક સાંજે કોઈ આવીને તમને એમ કહે કે તે ચાલીને ફરવા માટે નીકળે છે અને તેની ઇચ્છા છે કે તે ત્યાં સુધી ચાલતો રહે જ્યાં સુધી તેનું પેટ ભરાય નહીં તો તમે તેને શું કહો?
આવીને જે આવી વાત કરે છે તે કોઈ અક્કલમઠ્ઠો કે બુદ્ધિનો બળદિયો નથી. આવીને કહેનારો આર્મી ઑફિસર રહી ચૂક્યો હોય અને વિશ્વની બેસ્ટ એવી બ્રિટિશ પૅરાટ્રૂપનો એક મેમ્બર હોય તો તમે શું કરો? તમે શું કરો જ્યારે પેટ ભરાય ત્યાં સુધી ચાલીને ફરવાની ઇચ્છા વ્યક્ત કરનારો તમને એવું કહે કે તેને જીવનમાં કોઈ ધ્યેય જોઈએ છે. એવું ધ્યેય જેનાથી તેનો જીવન જીવવાનો હેતુ અકબંધ રહે. શું હોય તમારો જવાબ?

સુપર્બ કહેવાય એવું પેન્શન તેને મળે છે, પરિવારમાં બ્યુટિફુલ વાઇફ છે, પરાણે વહાલો લાગે એવો પાંચ વર્ષનો દીકરો છે અને એ પછી પણ આ માણસ આવી ડિમાન્ડ કરે છે. હવે તમે શું કહો? 
પાગલ કે પૅશનેટ આપણે જે પાગલની વાત કરીએ છીએ તેનું નામ છે કાર્લ બુશ્બી. કાર્લ બુશ્બી પચીસ વર્ષ પહેલાં ઘર છોડીને ફરવા માટે નીકળ્યો. ફરવા માટે નીકળતાં પહેલાં તેણે પ્રતિજ્ઞા લીધી કે તે ક્યાંય વાહનનો ઉપયોગ નહીં કરે. છેલ્લાં પચીસ વર્ષમાં કાર્લ પ૮,૦૦૦ કિલોમીટર ચાલ્યો છે. આટલું ચાલીને તે આખું અમેરિકા, રશિયા અને યુરોપ ફર્યો છે અને તેની યાત્રા હજી ચાલુ જ છે. રોજ ૧૦,૦૦૦ પગલાં ચાલવામાં જેના મોઢે ફીણ આવી જતાં હોય તે નોંધી લે કે કાર્લ ૭૨૦૦ દિવસ દરમ્યાન રોજ સતત ૧૦,૦૦૦ પગલાંથી વધુ ચાલ્યો છે!

કહાની કાર્લ બુશ્બી કી
૧૯૬૯ની ૩૦ માર્ચે ઇંગ્લૅન્ડના હલ નામના નાનકડા શહેરમાં જન્મેલા કાર્લ બુશ્બીનું બાળપણ નૉર્મલ હતું. કૉલેજ પૂરી કરીને કાર્લ બ્રિટિશ પૅરાટ્રૂપમાં જૉઇન થયો અને તેણે ૧૧ વર્ષ પૅરાટ્રૂપર તરીકે કામ કર્યું. સામાન્ય રીતે ૧૨ વર્ષે પૅરાટ્રૂપરને નિવૃત્તિ આપવામાં આવતી હોય છે, પણ કાર્લ છેલ્લાં વર્ષોમાં કંટાળ્યો હતો એટલે તેણે સામેથી જ રિટાયરમેન્ટ લીધું અને એ પછી ભાઈ પોતાની વાઇફ રોઝી અને દીકરા ઍડમ સાથે શાંતિથી રહેવા માંડ્યા. ઘરમાં રહેતા કાર્લનો શરૂઆતનો સમય તો શાંતિથી પસાર થયો, પણ એ પછી તેને કીડા ચડવાના શરૂ થયા અને એ કીડાની પહેલી આડઅસર દેખાઈ તેની અને વાઇફ સાથેની રિલેશનશિપમાં. થોડા જ મહિનામાં કાર્લ અને રોઝીના ડિવૉર્સ થઈ ગયા અને વાઇફ ઍડમને લઈને બીજે રહેવા જતી રહી તો કાર્લ પણ માને લઈને આયરલૅન્ડ રહેવા આવી ગયો. એક તો શુષ્ક જિંદગી અને એમાં ડિસ્ટર્બ્ડ રિલેશનશિપ. કાર્લને કનડતા કીડાઓએ કાળો કેર વર્તાવ્યો અને કાર્લ પોતાની લાઇફમાં કશુંક ચૅલેન્જિંગ કામ કરવાની શોધમાં લાગી ગયો. આ શોધના ભાગરૂપે જ કાર્લે નક્કી કર્યું કે તે દુનિયા ફરવા જશે અને એ પણ પગપાળા. કાર્લ બુશ્બીએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘રેકૉર્ડ કે પ્રસિદ્ધિનો તો મને દૂર-દૂર સુધી વિચાર આવ્યો જ નહોતો. જીવન જીવવા માટે મને કોઈ ધ્યેય જોઈતું હતું. એવું ધ્યેય જેમાં મને રોજ સવારે જાગવાની ઇચ્છા થાય અને રાત પડ્યે આગળના દિવસનું પ્લાનિંગ સૂઝવા માંડે. બસ, આ જ કારણે મેં મારી આ રીતે ચાલીને દુનિયા ફરવાની ઇચ્છાને અમલમાં મૂકવાનું નક્કી કર્યું.’

એ દિવસ એટલે ૧૯૯૮ની પહેલી નવેમ્બર. 

બરફીલા પ્રદેશો પણ કાર્લે આમ જ ચાલીને પાર કર્યા હતા. 

કાર્લે ચિલીના પુન્ટા અરેનાસ નામના ગામથી પોતાની આ પગપાળા યાત્રાની શરૂઆત કરી, જેને નામ આપ્યું ગોલાયથ એક્સપીડિશન. યાત્રા શરૂ કરતાં પહેલાં કાર્લે ૩ મહિના સુધી એના પર કામ કર્યું અને આખો રૂટ બનાવ્યો. કાર્લે બનાવેલા રૂટ મુજબ તેણે અંદાજે પ૮,૦૦૦ કિલોમીટર (એટલે કે ૩૬,૦૦૦ માઇલ) ચાલવાનું હતું અને એટલું ચાલવામાં તેને અંદાજે ૧૨ વર્ષ લાગવાનાં હતાં.

રૂલ કા રુઆબ 
ગોલાયથ એક્સપીડિશન માટે કાર્લે પોતે જ નિયમો બનાવ્યા હતા. એમાં સૌથી પહેલો નિયમ એ હતો કે એક પણ પ્રકારના વાહનમાં તેણે પ્રવાસ નહીં કરવાનો. વાહનોની યાદીની શરૂઆત સાઇકલથી થતી હતી. સાઇકલથી લઈને પાણીમાં ચાલતા વાહનનો પણ ઉપયોગ કર્યા વિના કાર્લે ફરી પોતાના ઘરે પાછા આવવાનું.

આગળ કહ્યું હતું એમ કાર્લને હતું કે પોતે આ યાત્રા વધીને ૧૨ વર્ષમાં પૂરી કરશે અને જો બધું સાંગોપાંગ ઊતર્યું તો ૮ વર્ષમાં તે ફરી પાછો આયરલૅન્ડ આવી જશે. જોકે ધાર્યું તો ધણીનું થાય, કાર્લનું નહીં.

આઠથી ૧૨ વર્ષના સમયગાળાનું અનુમાન બાંધીને નીકળેલા કાર્લને એક દેશમાંથી બીજા દેશમાં દાખલ થવા માટે જરૂર પડતા વીઝાથી લઈને અન્ય રાજકીય અડચણો, આર્થિક સંકડામણ અને છેલ્લા તબક્કામાં આવેલી કોરોનાની મહામારી એવાં નડ્યાં કે તેની યાત્રાનો સમયગાળો બમણો થઈ ગયો અને હજી પણ તેની યાત્રા પૂરી નથી થઈ!

યસ, કાર્લની આ યાત્રા હજી પણ ચાલુ છે. અત્યારે તે મેક્સિકોમાં છે. અત્યારના સંજોગોમાં તેણે અનુમાન લગાવ્યું છે કે તે આવતા વર્ષે સપ્ટેમ્બરમાં ઘરે પહોંચશે અને એ પહેલાં તેણે ટર્કી, યુરોપ અને ઇંગ્લૅન્ડ પાર કરવાનાં રહેશે.

કાર્લ મેક્સિકોમાં હતો ત્યારે તેનો દીકરો પચીસ વર્ષની વયે થોડા દિવસ માટે ચાલવા માટે જોડાયો હતો.

કાર્લની ગોલાયથ એક્સપીડિશનનો બીજો પણ એક નિયમ જાણવા જેવો છે.

એક પણ પ્રકારના વાહનનો ઉપયોગ નહીં કરવાનો એવું નક્કી કરવા ઉપરાંત કાર્લે નક્કી કર્યું છે કે તે પોતાની સાથે ૪૮ કલાક ચાલે એટલી જ સામગ્રી રાખશે. ચાલીને જવાનું હોય તો સ્વાભાવિક છે કે તમે ભાર પણ કેટલો વેંઢારો? કાર્લ કહે છે, ‘મારે વાંરવાર સાબિત કરવું પડે છે કે હું સિદ્ધિ માટે નીકળ્યો જ નથી. હું તો પુરવાર કરવા નીકળ્યો છું કે સમય લાંબો હોય તો પણ તમારી ધીરજ એનાથી પણ વધારે લાંબી હોવી જોઈએ. જો તમે ધીરજ ગુમાવો તો સરળ કામ પણ ન થાય અને ધીરજ જાળવી રાખો તો અસંભવ અને અશક્ય કામમાં પણ તમને સફળતા મળે.’

તકલીફેં હૈં બેસુમાર
કાર્લનું ધ્યેય ક્લિયર હતું કે ઝડપ નહીં, સંપૂર્ણતા અને એ પણ એક કારણ હતું કે તેને વાહનોનો ઉપયોગ નહોતો કરવો. વાહનનો ઉપયોગ નહોતો થતો એટલે કાર્લે મૅક્સિમમ એવી જગ્યાએથી પસાર થવું પડ્યું જ્યાં રણ હતાં, જંગલો અને પર્વતો હતાં તો અમુક જગ્યાઓ એવી પણ હતી જ્યાં સેંકડો કિલોમીટર સુધી બરફ પથરાયેલો હતો. આજે જ્યારે ઘરમાં સાબુ કે શૅમ્પૂ જેવી ચીજ ખતમ થઈ ગઈ હોય ત્યારે આપણે ૧૦૦ સ્ટેપ ચાલીને કરિયાણાવાળાને ત્યાં જવાને બદલે બ્લિન્ક ઇટ કે ઝેપ્ટો કરી લઈએ છીએ ત્યારે કાર્લે તો એક થેલામાં આવે એટલી જ ચીજવસ્તુ સાથે આગળ વધવાનું હતું. કાર્લે પોતાની આ યાત્રા દરમ્યાન મિનિમલિસ્ટ થિયરી અપનાવી હતી. ઓછામાં ઓછી ચીજનો વપરાશ કરો અને જેનો વપરાશ પૂરો થઈ જાય એ ચીજનો નિકાલ કરો. તમને જાણીને નવાઈ લાગશે કે અમુક પ્રદેશમાંથી પસાર થતી વખતે કાર્લે ઠંડીનો સામનો કરવો પડતો તો કાર્લ એ વિસ્તાર પૂરતું જૅકેટ શોધી લેતો અને જેવો ઠંડીમાંથી બહાર નીકળે એટલે તરત એ જૅકેટ જરૂરિયાતમંદને આપી દેતો. કાર્લે પોતાની આ જર્ની દરમ્યાન ઓછામાં ઓછી ૩૦૦ જેટલી ગરમ કપડાંની જોડી દાનમાં આપી દીધી હશે. બાય ધ વે, એક ચોખવટ કરવાની. કાર્લ પોતાની સાથે LASSIE એટલે કે Latin America Special Survival Invention નામની ટ્રૉલી લઈને ચાલતો. આ જે ટ્રૉલી હતી એ કાર્લે ખાસ પોતાના માટે બનાવી હતી. ઍનીવે, આ તો બહુ સામાન્ય વાત થઈ. તકલીફોની વાત કરીએ તો કાર્લે એવી-એવી તકલીફો સહન કરી છે કે જો એ લખવા બેસો તો ૧૦૦ એપિસોડની અદ્ભુત નવલકથાનું સર્જન થઈ જાય અને કાં તો ૧૦ એપિસોડની સુપર્બ વેબ-સિરીઝ બને.

૨૦૦૬માં કાર્લે બેરિંગ સ્ટ્રેઇટ ક્રૉસિંગ ક્રૉસ કરવાની આવી ત્યારે તે અલાસ્કાના જામી ગયેલી દરિયા પર ચાલીને રશિયા પહોંચ્યો હતો. રશિયામાં કાર્લે વીઝા માટે પારાવાર હેરાનગતિ સહન કરવી પડી. રશિયામાં વીઝા મળ્યા નહીં એટલે કાર્લે લાંબો સમય અલાસ્કામાં રહેવું પડ્યું. આવું તો જોકે તેની સાથે અનેક જગ્યાએ બન્યું હતું. કાર્લ કહે છે, ‘મારા માટે એ એક વિરામની પ્રક્રિયા હતી. હું અટકી જતો અને આજુબાજુમાં કામ શોધીને એ કામ કરવા માંડતો. એ બહાને મને ઇન્કમ થતી જે આગળ કામ લાગતી.’

તકલીફો વચ્ચે કાર્લ અટક્યો છે, રોકાયો છે; પણ એ તકલીફોએ કાર્લને ક્યારેય પોતાની યાત્રા ટૂંકાવવાની પ્રેરણા નથી આપી. ઊલટું કાર્લમાં યાત્રાને આગળ વધારવાનું ઝનૂન ઉમેરાતું. એટલું જ નહીં, કાર્લને એવી ઑફર આપનારા પણ નીકળતા જેમાં તેણે પોતે નક્કી કરેલા રૂટને થોડો ચેન્જ કરવાનો આવતો. જો તે એવું કરે તો પોતાની યાત્રા આગળ વધે, પરંતુ કાર્લ એ પણ કરવા રાજી નહોતો. કાર્લનું કહેવું હતું કે મને કોઈ શૉર્ટકટમાં ઇન્ટરેસ્ટ નહોતો, મારે તો નક્કી કર્યા મુજબ આગળ વધવું હતું.

રશિયા કી રામકહાની
રશિયામાં દાખલ થતી વખતે તો કાર્લ પર એવો આક્ષેપ પણ કરવામાં આવ્યો કે તેણે ઇલીગલી સરહદ પાર કરવાની કોશિશ કરી છે. કાર્લની અટકાયત થઈ. જોકે ડૉક્યુમેન્ટ્સ જોયા પછી કાર્લને રશિયાના ગવર્નરને મળવા દેવામાં આવ્યો અને તેમણે કાર્લને અલાસ્કા પાછા જવાની ઑફર આપી. કાર્લ પાછો ગયો, પણ ગવર્નર સાથે તેનું કમ્યુનિકેશન ચાલુ રહ્યું જેને લીધે ૨૦૦૭માં કાર્લને રશિયાએ વીઝા આપ્યા અને તે રશિયામાં દાખલ થઈ શક્યો.

કોવિડ વખતે ઈરાનની સીમા પર કાર્લ બુશ્બી ફસાયો અને તેણે ઈરાન બૉર્ડર પર ૯ મહિના પસાર કર્યા. 

૨૦૦૧માં ડેરિયન ગેપ તરીકે ઓળખાતા કોલંબિયા-પનામામાંથી તે પસાર થતો હતો ત્યારે પોલીસે તેની ડ્રગ-માફિયા ગણીને અરેસ્ટ કરી. પનામા પોલીસની પાસેથી નિર્દોષ છૂટવામાં કાર્લ બુશ્બીને ૩ મહિના લાગ્યા. અલબત્ત, બધી તપાસ પછી તેને છોડવામાં આવ્યો અને છૂટ્યા પછી કાર્લ ફરી આગળ વધવા માંડ્યો. 

૨૮૮ કિલોમીટર તરીને પાર
આ જર્નીમાં કાર્લે તરીને ઇંગ્લિશ ચૅનલ પણ પાર કરી અને ગયા વર્ષે કઝાખસ્તાનથી અઝરબૈજાન જતી વખતે કૅસ્પિયન ક્રીકમાં ૨૮૮ કિલોમીટર સુધી તરીને ટ્રાવેલ કરવું પડ્યું. આટલું અંતર કાપતી વખતે પણ કાર્લે કોઈ વાહનનો સપોર્ટ લીધો નહીં. જ્યારે પણ તેને રેસ્ટ કરવાનું લાગતું ત્યારે તે પોતાની સાથે લીધેલી નાની હોડીમાં જઈને આરામ કરી લેતો. પોતે હોડીમાં હોય એટલો સમય હોડીવાળાએ એને ચલાવવાની નહીં અને પછી કાર્લ જાગે એટલે કાર્લ તરે અને હોડીવાળો તેની સાથે આગળ વધે. આ બન્ને સફર દરમ્યાન કાર્લે પોતાનો મોટા ભાગનો સામાન છોડવો પણ પડ્યો. જોકે કાર્લને એનું કોઈ દુખ નથી. કાર્લ કહે છે, ‘દુનિયાને સામાનમાં પોતાની જિંદગી દેખાય છે અને મને મારી યાત્રામાં મારી લાઇફ દેખાય છે.’

વર્તમાન હી વિશ્વ 
વાતની શરૂઆતમાં કહ્યું એમ કાર્લ બુશ્બી અત્યારે મેક્સિકોમાં છે. મેક્સિકોથી ચાલવાનું શરૂ કરીને કાર્લ છેક ટર્કી અને ત્યાંથી યુરોપિયન ખંડમાં દાખલ થવાનો હતો, પણ વીઝાનો ઇશ્યુ આવતાં તેણે પાછા ફરવું પડ્યું અને તે ફરી મેક્સિકો આવી ગયો. કાર્લની વીઝાની આ પ્રોસેસ પૂરી થવાની અણી પર છે. વીઝા આવશે એટલે તે ટર્કી, બલ્ગેરિયા, રોમાનિયા, હંગેરી, ઑસ્ટ્રિયા, જર્મની, ફ્રાન્સથી પોતાના આયરલૅન્ડના ઘરે પાછો આવશે. ઘરે પાછા જવા માટે કાર્લે હજી અંદાજે ૩૦૦૦ કિલોમીટર ચાલવાનું છે. કાર્લ કહે છે, ‘નીકળ્યો ત્યારે મારો હેતુ અલગ હતો અને હવે મારું ધ્યેય જુદું છે. હવે હું દુનિયાને દેખાડવા માગું છું કે જો હું આ કરી શકું તો માણસ કંઈ પણ કરી શકે. બસ, જરૂર છે લક્ષ્યની. જો લક્ષ્ય હોય તો જીવન જેવી ઉત્તમ સંપત્તિ કોઈ નથી અને જો લક્ષ્ય ન હોય તો જીવન જેવું બોરિંગ સાથી કોઈ નહીં.’

કાર્લનો દીકરો ઍડમ પાંચ વર્ષનો હતો ત્યારે કાર્લે આ જર્ની શરૂ કરી હતી. કાર્લનું કહેવું છે કે ‘આખી સફર દરમ્યાન મેં સતત બદલાતી દુનિયા જોઈ છે. મારી પાસે ચાલવા સિવાય બીજું કોઈ નહોતું એટલે અનેક ટેક્નૉલૉજીથી હું વાકેફ નહોતો, પણ જ્યાં મને સ્ટૉપ મળતું કે મારે પરાણે રોકાવું પડતું ત્યાં હું એ બધું સમજીને આગળ વધતો થયો.’

કાર્લનો દીકરો ઍડમ તેને ૨૦૨૪માં પહેલી વાર મેક્સિકોમાં મળ્યો. એ સમયે કાર્લ ઇમોશનલ હતો અને કાર્લના દીકરાના મનમાં ખુન્નસ હતું. ઍડમ કહે છે, ‘તેમને મળ્યા પછી મને થયું કે વર્ષો સુધી મેં મારા પપ્પા પર ગુસ્સો ખોટો રાખ્યો. તેમણે જે કર્યું, જે સિદ્ધિ અત્યારે મેળવી છે એ જોયા પછી મને થાય છે કે તેમના જેવી હિંમત અને ધીરજ દુનિયાની કોઈ વ્યક્તિમાં નહીં હોય.’
પોતાની આ સફર દરમ્યાન કાર્લને જો કોઈ એક વાતનો અફસોસ હોય તો એ કે તેણે ઍડમને આંખ સામે મોટો થતાં જોયો નહીં. પપ્પાને મળ્યા પછી ઍડમ પણ થોડા દિવસો માટે તેની સાથે પગપાળા યાત્રામાં જોડાયો હતો. કાર્લ કહે છે, ‘ઘર તરફની જર્ની શરૂ થઈ છે ત્યારે મારી આંખ સામે મારો આખો ભૂતકાળ છે. મેં અનેક નોંધ કાગળ પર ટપકાવી રાખી હતી, પણ એમાંથી ઘણી નોંધ યાત્રા દરમ્યાન ગુમાવી છે. હવે પાછા જઈને હું ફરીથી એ બધી નોંધ યાદ કરવાનો છું અને નવેસરથી મારી આ આખી યાત્રા જીવવાનો છું, કારણ કે આ એક એવી યાત્રા છે જેના મૂળમાં માત્ર ને માત્ર ધ્યેયપ્રાપ્તિની ઇચ્છા હતી.’
કાર્લે પોતાની લાઇફનું એક સૂત્ર બનાવ્યું છે:
જીદ + ધીરજ + સમય = અશક્યને પણ સંભવ.
વાત સહેજ પણ ખોટી નથી.

અનુભવનું પુસ્તક પણ લખ્યું
કાર્લ બુશ્બીએ પોતાના અનુભવ વિશેનું પુસ્તક પણ લખ્યું છે. તે રશિયામાં અટવાયો અને પદયાત્રાને હોલ્ટ પર રાખવી પડી એ દરમ્યાન તેણે ‘જાયન્ટ સ્ટેપ્સઃ ધ રિમાર્કેબલ સ્ટોરી ઑફ ધ ગોલાયથ એક્સપીડિશન ફ્રોમ પુન્તા અરીના ટુ રશિયા’ નામની બુક લખી. ૨૦૧૨માં પ્રકાશિત થયેલી એ બુકમાં રશિયા સુધીની જ વાતો છે. જોકે એ પછીનો સમયગાળો તો એથીયે વધુ કપરો ગયો છે. ટૂંક સમયમાં જ કાર્લનું પૃથ્વીભ્રમણ પૂરું થશે અને ઇંગ્લૅન્ડના હલ ગામમાં જ્યાં તેનો જન્મ થયો હતો ત્યાં પાછો ફરશે. એ પછી બીજું પુસ્તક લખવાનું શરૂ કરશે.

ગોલાયથ એક્સપીડિશનનો અર્થ શું થાય?
કાર્લે પોતાની આ યાત્રા શરૂ કરતાં પહેલાં એને નામ આપ્યું ગોલાયથ એક્સપીડિશન. આ જે શબ્દ છે એનો ભાવાર્થ સમજવા જેવો છે.

ગોલાયથ નામ છે જેનો ઉલ્લેખ બાઇબલમાં છે. આ ગોલાયથ એક એવો યોદ્ધો હતો જે અશક્ય લાગે એવું કાર્ય કરવા માટે પૉપ્યુલર થયો હતો, જ્યારે એક્સપીડિશનનો અર્થ થાય છે અભિયાન કે અવિરત ચાલનારી યાત્રા.

ગોલાયથ એક્સપીડિશનનો અર્થ થાય અશક્ય લાગતા કાર્યનું એટલે કે પગપાળા વિશ્વભરની યાત્રાનું અભિયાન. સાદી ગુજરાતીમાં કહીએ તો મહાપ્રયાણ.


Whatsapp-channel Whatsapp-channel

31 August, 2025 03:13 PM IST | Washington | Rashmin Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK