ચીનના એક જાણીતા સોશ્યલ મીડિયા ઇન્ફ્લુએન્સરે પાળેલા ચુટો નામના ડૉગીની જિંદગી સાથે જબરો ખેલ થઈ ગયો
ચુટો
ચીનના એક જાણીતા સોશ્યલ મીડિયા ઇન્ફ્લુએન્સરે પાળેલા ચુટો નામના ડૉગીની જિંદગી સાથે જબરો ખેલ થઈ ગયો. ૮ વર્ષનો આ ડૉગ છેલ્લાં કેટલાંય વર્ષોથી સોશ્યલ મીડિયા પર સ્ટાર જેવાં માનપાન મેળવતો હતો. અત્યાર સુધીમાં એના ૧૫ લાખથી વધુ ફૉલોઅર્સ પણ થઈ ગયા હતા. એનો માલિક ગુઓ પણ આ ડૉગીને જ્યાં જાય ત્યાં સાથે જ લઈને ફરતો હતો. જોકે થોડા સમય પહેલાં તે જ્યૉર્જિયાની એક રોડ-ટ્રિપ પર ગયેલો ત્યારે તેણે ચુટોને મમ્મી-પપ્પા પાસે રાખ્યો હતો. પેરન્ટ્સ ડૉગીને લઈને ઘરની બહારની ગલીમાં ફરી રહ્યા હતા ત્યારે અચાનક જ કોઈ બાઇકસવાર ચોર આવીને ડૉગીને ઉપાડી ગયો. આ વાતની ખબર પડતાં જ ગુઓભાઈ જ્યૉર્જિયાથી મારતી ફ્લાઇટે પાછા ચીન પોતાના ઘરે આવે છે. પોલીસમાં ફરિયાદ નોંધાવીને તેણે પોતાના જીવ સમાન ડૉગીને પાછો મેળવવા માટે આસમાન-પાતાળ એક કર્યાં હતાં. CCTV કૅમેરાના ફુટેજમાં જે બે ચોર તેના ડૉગને ઉપાડી ગયા હતા તેમને તેણે ખોળી કાઢ્યા. તેણે પહેલાં તો તેમને ધમકાવ્યા અને ડૉગ પાછો માગ્યો. પેલા ચોર ન માન્યા તો ડૉગીના બદલામાં મોંમાગી કિંમત આપવા પણ તૈયાર થયો. ત્યારે છેક ચોરે મોં ખોલ્યું કે તેણે તો એ કૂતરાને રખડુ કૂતરો સમજીને ડૉગ મીટ વેચતી રેસ્ટોરાંમાં વેચી નાખ્યો. ચોરના ચહેરા પર જરાય અફસોસ કે પસ્તાવો નહોતો. ઊલટાનું ભાંગી પડેલા ગુઓને તેણે સંભળાવી દીધું કે તારો કૂતરો કપાઈને કોઈકની થાળીમાં પીરસાઈ પણ ગયો છે એટલે હવે મારા પર ચિલ્લાવાનું બંધ કર, મેં કોઈ કાયદો તોડ્યો નથી.
જે ડૉગ ઘરમાં પ્રિન્સની જેમ રહેતો હતો, સોશ્યલ મીડિયામાં સ્ટાર હતો એ માત્ર ૨૩૦૦ રૂપિયામાં એક સામાન્ય રખડુ કૂતરાની જેમ વેચાયો અને કપાઈ ગયો. આ સમાચાર ચીનમાં વાઇરલ થતાં પ્રાણીપ્રેમી સ્થાનિકોમાં જબરો રોષ ફાટ્યો છે. તેઓ રખડુ કૂતરાઓ સાથે થતી હિંસા સામે પણ કોઈ કાયદો હોવો જોઈએ એવી ડિમાન્ડ કરી રહ્યા છે.
