ચીનમાં એકથી એક ચડિયાતી ટેક્નૉલૉજી જોવા મળે છે, પણ હવે એણે ક્રીએટિવિટીમાં પણ કાઠું કાઢ્યું છે.
આ ક્રીએટિવ ટૉઇલેટ જબરદસ્ત વાઇરલ થયું છે
ચીનમાં એકથી એક ચડિયાતી ટેક્નૉલૉજી જોવા મળે છે, પણ હવે એણે ક્રીએટિવિટીમાં પણ કાઠું કાઢ્યું છે. સોશ્યલ મીડિયામાં અહીંનું એક ક્રીએટિવ ટૉઇલેટ જબરદસ્ત વાઇરલ થયું છે. ચીનના ગ્યાસુ પ્રાંતની ડુનહુઆંગ નાઇટ માર્કેટમાં આવેલું પબ્લિક ટૉઇલેટ ચર્ચાનો વિષય બન્યું છે જે ટૂરિસ્ટોને આકર્ષી રહ્યું છે. એક સ્થાનિક વર્તમાનપત્રની પોસ્ટમાં જણાવ્યા મુજબ એમાં યુનેસ્કો દ્વારા પ્રમાણભૂત મોગાની ગુફાઓની શૈલીનું ઇન્ટીરિયર છે. હેરિટેજ અને કમ્ફર્ટ બન્નેનો અનોખો સંગમ એમાં થયો છે. બે માળના ટૉઇલેટમાં અંદર સ્થાનિક સંસ્કૃતિથી પ્રેરિત ભીંતચિત્રો છે અને બહાર પારદર્શી કાચની દીવાલો છે. બહારથી જોઈએ તો આ એક આમ મૉલ જેવું આધુનિક બિલ્ડિંગ છે. એમાં મધર-બેબી રૂમ પણ છે અને ઍન્ટિ-બૅક્ટેરિયલ નર્સિંગ-ટેબલ, ચાઇલ્ડ સેફ્ટી સીટ અને ઑટો ક્લીનિંગ સિસ્ટમ પણ છે. હજી ગયા મહિને જ આ ટૉઇલેટ ખૂલ્યું છે, પણ ટૂરિસ્ટોમાં એ બહુ ફેવરિટ બની ગયું છે. લોકો નાઇટ માર્કેટમાં આવે છે ત્યારે આ ટૉઇલેટમાં તસવીરો અને રીલ્સ બનાવીને સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરી રહ્યા છે.

