પંજાબના મોગા જિલ્લાના ધોલિયા ખુર્દ ગામે એક અનોખી સ્પર્ધા યોજી હતી
આ સ્પર્ધા વ્યક્તિની ધીરજ અને માનસિક વિચારોને કાબૂમાં રાખવા વિશેની હતી.
પંજાબના મોગા જિલ્લાના ધોલિયા ખુર્દ ગામે એક અનોખી સ્પર્ધા યોજી હતી. લોકોમાં વધી રહેલી સ્માર્ટફોનની લત છોડાવવા માટે વ્યક્તિ શાંત થઈને કંઈ જ ન કરીને માત્ર બેસી રહેવાની સ્પર્ધા યોજવામાં આવી હતી. એમાં નાનાં બાળકોથી લઈને મોટી ઉંમરના તમામ લોકોને આવકારવામાં આવ્યા હતા. ગામમાંથી કુલ પંચાવન લોકોએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં લોકોની પરીક્ષા થઈ હતી કે તેઓ કંઈ જ કર્યા વિના કેટલો સમય ફોનને અડ્યા વિના ચૂપચાપ બેસી શકે છે. આયોજકોએ ૧૧ સખત નિયમો બનાવ્યા હતા. સ્પર્ધકોએ ખાવાનું, વૉશરૂમ યુઝ કરવાનું, વાત કરવાનું કે એમ જ કંઈ પણ બોલવાનું નહોતું. ધારો કે કોઈ એમ કરે તો તેને ડિસક્વૉલિફાય કરી દેવામાં આવતો. વૉશરૂમ કરવા ઊઠનારાઓ પણ સ્પર્ધામાંથી બાકાત થઈ જતા. પુસ્તકો શાંતિથી વાંચવાની કે મનમાં ધાર્મિક જાપ કરવાની પરવાનગી હતી. આ સ્પર્ધાની કોઈ ટાઇમ-લિમિટ નહોતી. આ સ્પર્ધા વ્યક્તિની ધીરજ અને માનસિક વિચારોને કાબૂમાં રાખવા વિશેની હતી.
કૅનેડાના નૉન-રેડિન્ટ ઇન્ડિયન કમલજિત સિંહે આ સ્પર્ધાનું આયોજન કર્યું હતું. તેમણે પોતાના પૈતૃક ગામમાં લાઇબ્રેરી શરૂ કરી છે. જ્યારે વ્યક્તિ નવરી પડે છે ત્યારે જ મોબાઇલ, ડ્રગ્સ કે ખરાબ આદતોના રવાડે ચડી જાય છે. આ સ્પર્ધાનો આશય હતો કે વ્યક્તિ ફ્રી પડે ત્યારે પણ કંઈક સારું કામ કરવામાં મન પરોવવા માટે પ્રોત્સાહિત થાય. આ સ્પર્ધા જીતનારને એક સાઇકલ, રોકડ રૂપિયા અને ચોખ્ખું ઘી ઇનામમાં મળવાનાં હતાં. આ સ્પર્ધામાં ૨૬ વર્ષનો સતવીર સિંહ, ૨૮ વર્ષનો લવપ્રીત સિંહ અને ૨૭ વર્ષનો ચરણ સિંહ ક્રમશઃ પહેલું, બીજું અને ત્રીજું ઇનામ જીત્યા હતા. પહેલું ઇનામ જીતનારે સૌથી વધુ ૩૧ કલાક સુધી કંઈ જ કર્યા વિના શાંતિથી બેસી રહેવામાં સફળતા મેળવી હતી.


