રાજસ્થાનના ઝુંઝુનૂમાં રોડ અકસ્માતમાં યુવાનના મોત બાદ પરિવારજનોએ ઍરબૅગ ન ખૂલવાનો આક્ષેપ કરીને કારને ક્રેનથી શોરૂમ સામે લટકાવી વિરોધ નોંધાવ્યો.
ઍરબૅગ ન ખૂલવાથી દીકરાનો જીવ ગયો એટલે શોરૂમની સામે ક્રેનથી કાર લટકાવીને લખ્યું, ૨૦ લાખ કા ડિબ્બા
રાજસ્થાનના ઝુંઝુનૂમાં ૨૧ વર્ષના તરુણ નાયક નામના યુવાનનું ૨૦ જુલાઈએ એક રોડ-અકસ્માતમાં મૃત્યુ થયું. આ ભીષણ અકસ્માતમાં કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો પરંતુ એમાંથી ઍરબૅગ ખૂલી નહોતી. જો ઍરબૅગ હોત તો કદાચ યુવાનનું બચી જવું સંભવ હતું. તરુણ નાયક રેન્ટલ કારનો વ્યવસાય કરતો હતો અને તે ચાર દોસ્તો સાથે સીકરથી ઝુંઝુનૂ પાછો જઈ રહ્યો હતો. એ દરમ્યાન સ્કૉર્પિયો અનિયંત્રિત થઈને વીજળીના થાંભલા સાથે ટકરાઈને પલટી ખાઈ ગઈ હતી. તરુણનું એમાં મૃત્યુ થયું અને એ ગાડીમાં સવાર અન્ય ચાર લોકોને મામૂલી ઈજા થઈ હતી. તરુણે સીટબેલ્ટ લગાવેલો હતો, પરંતુ ઍક્સિડન્ટ વખતે ઍરબૅગ ન ખૂલતાં તેનું મૃત્યુ થયું હતું.
દીકરાના મૃત્યુ પછી પરિવારજનોએ સ્કૉર્પિયો કારની ખરાબ ઍરબૅગ્સ પર ગુસ્સો કાઢ્યો હતો. પરિવારજનો શહેરના મહિન્દ્ર મોટર્સના શોરૂમ પર એ કારને લઈ ગયા હતા અને ક્રેનથી ૨૦ ફુટ ઊંચે લટકાવીને પ્રદર્શન કર્યું હતું. આ કાર પર લાલ રંગથી લખ્યું હતું, ‘૨૦ લાખ કા ડિબ્બા’, ‘મૌત કા સામાન’ અને ‘ખતરા’.
