ઉત્તર પ્રદેશના કાનપુરમાં થોડા દિવસ પહેલાં હાઇવે પર એક યુવકનું શબ મળ્યું હતું. એ પ્રદીપ શર્મા નામના ૨૩ વર્ષના યુવકનું હતું. પહેલી નજરે કોઈ વાહન સાથે ટકરાવાથી મૃત્યુ થયું હોય એવું દેખાતું હતું, પરંતુ પોલીસે તપાસ કરતાં ચોંકાવનારી માહિતી મળી હતી.
					 
					
માનું નામ હતું મમતા, પણ પ્રેમના ચક્કરમાં દીકરાને મોતને ઘાટ ઉતારી દીધો
ઉત્તર પ્રદેશના કાનપુરમાં થોડા દિવસ પહેલાં હાઇવે પર એક યુવકનું શબ મળ્યું હતું. એ પ્રદીપ શર્મા નામના ૨૩ વર્ષના યુવકનું હતું. પહેલી નજરે કોઈ વાહન સાથે ટકરાવાથી મૃત્યુ થયું હોય એવું દેખાતું હતું, પરંતુ પોલીસે તપાસ કરતાં ચોંકાવનારી માહિતી મળી હતી. દીકરાની હત્યા તેની જ માએ કરાવી હતી અને એ માટે તેણે પોતાના પ્રેમીનો સાથ લીધો હતો. પ્રદીપ આંધ્ર પ્રદેશમાં કામ કરતો હતો. તેની મા મમતા ગામમાં એકલી રહેતી હતી અને ગામના જ મયંક કટિયાર નામની બીજી કોઈ વ્યક્તિ સાથે પ્રેમસંબંધ હતો. પ્રદીપને એ પસંદ નહોતું એટલે તે વિરોધ કરતો હતો. પ્રદીપને રસ્તા વચ્ચેથી હટાવવા માટે મમતા અને મયંકે મળીને પ્લાન બનાવ્યો. પહેલાં તો તેના નામે ૪૦ લાખ રૂપિયાની વીમા-પૉલિસીઓ લીધી જેથી તેના મૃત્યુ પછી મોટી રકમ મળે. એ પછી હત્યાને અંજામ આપ્યો. મયંકનો નાનો ભાઈ રિશી કટિયાર ૨૬ ઑક્ટોબરે પ્રદીપને હોટેલમાં જમવા જવાના બહાને લઈ ગયો અને રસ્તામાં જ માથામાં હથોડો મારીને હત્યા કરી દીધી. એ પછી શબને કાનપુર-ઇટાવા હાઇવે પાસે ડેરાપુર નજીક ફેંકી દીધું. બીજા દિવસે સવારે પ્રદીપનું લોહીથી લથબથ શરીર મળ્યું ત્યારે તેનું મૃત્યુ વાહનની ટક્કરથી થયું હોવાનું લાગ્યું હતું. જોકે ગામમાંથી કોઈકે પ્રદીપની માનું મયંક સાથે અફેર છે એ વાત પોલીસના કાને નાખી. પોલીસે મયંક અને રિશીને પકડીને કડક પૂછપરછ કરી તો બન્ને ભાંગી પડ્યાં હતાં અને ગુનો કબૂલી લીધો હતો.
 
		        	 
		         
        




 
		 
	 
								 
								 
        	