ભારતીય ખાણું બહુ તીખું હોય છે, પણ અમને તો તીખું બહુ ભાવે એવો જો કોઈ દાવો કરે તો તેમના માટે ચૅલેન્જરૂપે આ રેસ્ટોરાંએ એક ડિશ મેનુમાં રાખી છે
લંડનમાં બેન્ગાલ વિલેજ નામની ઇન્ડિયન રેસ્ટોરાંમાં તીખામાં તીખી ઇન્ડિયન કરી મળે
લંડનમાં બેન્ગાલ વિલેજ નામની ઇન્ડિયન રેસ્ટોરાંમાં તીખામાં તીખી ઇન્ડિયન કરી મળે છે. ભારતીય ખાણું બહુ તીખું હોય છે, પણ અમને તો તીખું બહુ ભાવે એવો જો કોઈ દાવો કરે તો તેમના માટે ચૅલેન્જરૂપે આ રેસ્ટોરાંએ એક ડિશ મેનુમાં રાખી છે. એનું નામ જ છે લંડન્સ હૉટેસ્ટ કરી. આ કરી બનાવવા માટે એક-બે નહીં, ૭૨ પ્રકારનાં મરચાં વાપરવામાં આવ્યાં છે. હવે જો એ દરેક મરચાંની ચુટકી પણ નાખવામાં આવી હોય તો એક બાઉલમાં ૭૨ ચુટકી મરચું પડ્યું હોય. આ ૭૨ મરચાંમાં વિશ્વનાં સૌથી મોંઘાં મરચાંનો જ સમાવેશ થાય છે. એવા સમયે સ્વાભાવિક છે કે આ કરી કોઈ ખાઈ શકે એ શક્ય જ નથી. બેન્ગાલ વિલેજ રેસ્ટોરાંના માલિકે આ વાનગીને માત્ર એક ચૅલેન્જરૂપે મેનુમાં સમાવી છે. ભાગ્યે જ કોઈ આ ચૅલેન્જ લેવા તૈયાર થાય છે અને જેણે પણ અત્યાર સુધીમાં આ પડકાર ઝીલ્યો છે તેના તનબદનમાં આગ-આગ લાગી ગઈ છે. તાજેતરમાં ચીની કે કોરિયન દેખાતા યુવાને આ પડકાર ઉપાડી લીધો. તેને ડિશ સર્વ કરવામાં આવી ત્યાં સુધી આ ભાઈ એકદમ કૉન્ફિડન્ટ હતા, પણ એક ચમચી ભરીને કરી ખાધા પછી તેની હાલત જબ્બર ખરાબ થઈ ગઈ. અંદરથી એટલી ગરમી અને પસીને રેબઝેબ થઈ ગયો કે તેણે શર્ટ કાઢી નાખ્યું, બરફ ખાધો, પાણી પીધું, દૂધ પીધું પણ કેમેય ચેન ન પડ્યું. તેણે પૅન્ટ પણ ઢીલું કરીને ઉતારી નાખ્યું અને રેસ્ટોરાંની બહાર આમતેમ ભાગવા લાગ્યો. આખરે રેસ્ટોરાંના માલિકે તેને મીઠી લસ્સી આપી. પહેલાં તો તે તૈયાર ન થયો, પણ લસ્સીના ત્રણ-ચાર ઘૂંટડા ગળા નીચે ઉતાર્યા પછી તેના ઉધામા થોડા ઓછા જરૂર થયા.
આ કરી કેટલી તીખી હશે એનો અંદાજ તમને ત્યારે જ આવી જાય જ્યારે શેફ મોં પર સ્મોક માસ્ક પહેરીને એ બનાવતો હોય. એટલું જ નહીં, સર્વ કરનાર વેઇટરે પણ માસ્ક પહેરેલો જ હોય છે.

