લાંબી સર્જરી પછી ડૉક્ટરોને ચાકુ કાઢવામાં સફળતા મળી હતી. આ ઘટના મેડિકલ જર્નલમાં પ્રકાશિત થઈ છે.
એક્સ-રે
ટાન્ઝાનિયામાં ૪૪ વર્ષના એક પુરુષને છાતીમાં એક નીપલ પાસે થોડું-થોડું દુખ્યા કરતું હતું, પણ એ શાની તકલીફ છે એની ખબર નહોતી પડતી. એક દિવસ અચાનક જ નીપલ પાસે બહુ સોજો આવી ગયો અને દુખાવો ખૂબ વધી ગયો. તેને તરત જ સ્થાનિક હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો. ડૉક્ટરોને લાગ્યું કે તેને બ્રેસ્ટમાં ઇન્ફેક્શન થયું હશે, કેમ કે તેની નીપલમાંથી સફેદ રંગનું પસ નીકળી રહ્યું હતું. ૧૦ દિવસ સુધી પસ સાફ કર્યા પછી પણ પરિસ્થિતિ સુધરતી નહોતી એટલે તેની ઊંડી હિસ્ટરી લેવામાં આવી. જૂની વાત કરતાં તેણે કહ્યું કે આઠેક વર્ષ પહેલાં કોઈકની સાથેના ઝઘડામાં તેને પીઠમાં ચાકુ વાગ્યું હતું, પણ એ પછી ખાસ કોઈ તકલીફ નહોતી થઈ. ડૉક્ટરોએ એ ચાકુને કારણે કોઈ સ્કાર રહી ગયા છે કે કેમ એ તપાસવા માટે એક્સ-રે કર્યો તો હક્કાબક્કા રહી ગયા. તૂટેલા ચાકુનો મોટો ટુકડો તેની છાતીમાં ફસાયેલો હતો. ૮ વર્ષ સુધી એ એમ જ રહ્યો હતો અને આ સમય દરમ્યાન ન તો તેને તાવ આવ્યો, ન છાતીમાં દુખાવો થયો કે ન શ્વાસ લેવામાં તકલીફ પડી. છેક ૮ વર્ષ બાદ અંદર થયેલું ઇન્ફેક્શન બ્રેસ્ટના દુખાવારૂપે બહાર આવ્યું હતું. ૮ વર્ષ પહેલાં જ્યારે જમણા ખભામાં ચાકુ વાગ્યું ત્યારે અંદર જ તૂટી ગયું હતું. ડૉક્ટરોએ બહારથી જ ઘાની સફાઈ કરીને પાટાપિંડી કરી લીધી હતી અને એ વખતે તેને કંઈ તકલીફ પણ નહોતી થઈ. જ્યારે સર્જરી કરીને આ ચાકુ કાઢવામાં આવ્યું ત્યારે અંદરના અવયવો સાથે એ બરાબર ચીપકી ગયું હતું. લાંબી સર્જરી પછી ડૉક્ટરોને ચાકુ કાઢવામાં સફળતા મળી હતી. આ ઘટના મેડિકલ જર્નલમાં પ્રકાશિત થઈ છે.

